સરકારની કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ રૂપિયા ત્રણ લાખની વ્યાજમુકત સહાય મેળવતા બકુલભાઈ પટેલ
ખેડૂતો માટે આર્થિક ટેકારૂપ PM-KCC યોજના: ખૂબ ઓછા દસ્તાવેજો અને ઝીરો વ્યાજદરે બેંક પાસેથી મળે છે નાણાંકીય સહાય
નાના અને સીમાંત ખેડૂતો સરળતાથી લોન સહાય મેળવીને આત્મનિર્ભર થઈ શકે તે માટે કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલી બનાવી છે. જેણે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ યોજના દ્વારા ખેડુતોને ખૂબ ઓછા દસ્તાવેજો તેમજ કોઈ પણ જાતના વ્યાજ વિના એક વર્ષ માટે બેંક પાસેથી રૂપિયા ત્રણ લાખની આર્થિક સહાય મળે છે.
સુરતના બારડોલી તાલુકામાં આવેલા અકોટી ગામ ખાતે રહેતા ખેડૂત બકુલભાઈ પટેલે પોતાના ખેતીવાડીના વ્યવસાયને મજબૂત કરવા આ યોજના રૂપિયા ત્રણ લાખની સહાય મેળવી છે. આ વિષે પોતાનો અનુભવ જણાવતા તેઓ કહે છે કે, પહેલા ખેતીવાડી માટે ખાતર, બિયારણ અને સાધનોની ખરીદી માટે મને આર્થિક અગવડ રહેતી હતી. જે માટે વારંવાર મારે મિત્રો કે સગાંસંબંધી પાસે ઉછીના નાણાં લેવા પડતાં હતા. અને એમાં પણ વધુ વ્યાજદરને કારણે ઘણી વાર નુકસાન વેઠવું પડતું હતું. પરંતુ અમારા ગ્રામ સેવક પાસેથી મને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની જાણકારી મળતા જ મેં તરત દસ્તાવેજ જમા કરાવી આ યોજના થકી રૂપિયા ત્રણ લાખની વ્યાજમુક્ત સહાય મેળવી. જેનાં કારણે હવે હું સરળતાથી ખેતીને લગતી પ્રવૃત્તિઓ માટે જરૂરી સાધન સામગ્રીની ખરીદી કરવા સમર્થ છું. આ લોનની ચુકવણી માટે વિના વ્યાજદરે એક વર્ષની મુદત મળતી હોવાથી માથે ચિંતા પણ રહેતી નથી. તેમજ એક વાર લોનની ચુકવણી કરી દીધા બાદ તેને ફરી વાર રિન્યુ પણ કરી શકાય છે.
સરકારની સહાયકારી યોજનાને પગલે પોતાના જેવા અનેક મધ્યમવર્ગીય ખેડૂતોનો આર્થિક ટેકો બનવા માટે તેમણે રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.




