કોષ ગામની સીમમાં ઉકાઈ ડાબાકાંઠાની નહેરમાં મૃતદેહ મળી આવ્યો મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સુરત પાંડેસરા હરિઓમ નગરમાં રહેતો યુવાન મિતેષ ધનસુખભાઈ પટેલ તા-17/11/2023ના રોજ સુરત ભાઠેના વિસ્તારના સાંઈ બંધન ગ્રૂપના આશરે પચાસેક છોકરા સાથે પગપાળા શિરડી સાંઈ બાબાના દર્શને જવા નીકળ્યા હતા.તે દરમિયાન તા-17/11/2023ને 3 થી 3:30 વાગ્યા દરમિયાન યુવાન મિતેષ ધનસુખભાઈ પટેલ પોતાના મિત્રો સાથે ડોલવણ તાલુકાના બેડચીત ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં ન્હાવા ગયો હતો.તે દરમિયાન નહેરના ઉંડા પાણીમાં યુવાન મિતેષ પટેલ તણાઈ ગયો હતો.નહેરના પાણીમાં ડૂબેલ યુવાનની શોધખોળ સ્થાનિકો દ્વારા હાથ ધરવા છતા કોઈ ભાળ મળી ન હતી.ત્યારબાદ યુવાનનો મૃતદેહ મહુવા તાલુકાના કોષ નવા ફળિયાની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરના પુલીયામા ફસાઈ ગયેલ હાલતમાં જોવા મળતા ત્વરિત ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરવામાં આવી હતી.મહુવા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ જે.એસ.પાટીલ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી સ્થાનિક તરવૈયાની મદદ લઇ યુવાનનો મૃતદેહ નહેરના પાણીમાંથી બહાર કાઢ્યો હતો.અને પરિવારજનોને ઘટના અંગે જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






