વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે બારડોલીના બાબેન ખાતેથી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ.
સુરત જિલ્લામાં આગામી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે
જિલ્લાની તમામ ૬૯૪ ગ્રામ પંચાયતોમાં પાંચ રથ પરિભ્રમણ કરી સરકારની ૧૭ જેટલી યોજનાઓથી નાગરિકોને લાભાન્વિત કરશે
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ફ્લેગઓફ આપી રથને પ્રસ્થાન કરાવ્યું હતું
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ જન જન સુધી પહોંચે માટે ૨૫ જાન્યુઆરી સુધી યાત્રા ચાલશે
૧૫મી ઓગષ્ટથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાન સમગ્ર દેશમાં જન આંદોલન બની ચૂક્યું છે
:- રાજયમંત્રી મુકેશભાઈ પટેલ
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામેથી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે બીરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી આમ નાગરિકો સુધી પહોંચે અને જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય એવા તેવા હેતુથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થયો છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે. ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી ૧૦૦ ટકા લક્ષ્ય હાંસલ કરવાના ઉદ્દેશ સાથે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ફ્લેગઓફ આપી રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
૧૫મી નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષના જન જાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમનું ઝારખંડના ખૂંટીથી જે તેમનું લાઈવ પ્રસારણ સાથે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીએ આપેલા બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે આપેલા સંદેશાનું લોકોએ નિહાળ્યું હતું. સાથે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે ખૂબ ઐતિહાસિક દિવસ ઉજવાય રહ્યો છે આદિવાસી મસીહા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી છે ત્યારે દેશના ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળ ઝારખંડના ખૂંટી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવશે. જેમા સરકારની યોજનાઓ જન જન સુધી પહોંચે માટે ૨૫ જાન્યુઆરી સુધી યાત્રા ચાલશે. આ રથ આદિજાતિ વિસ્તારોમાં જઈને અધિકારીઓ સાથે મળી લોકોને લાભ આપશે.
વધુમાં તેમણે કેન્દ્ર સરકારની યોજનાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના જેના થકી ૧૦ લાખ સુધીની સારવાર નિશુલ્ક મેળવી શકે છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાથી ગરીબોને નિશુલ્ક અનાજ આપવામાં આવે છે, ઉજવલા યોજના લાવી ગેસના બાટલા આપીને મહિલાઓને ધુમાડામુક્ત કરી અનેક બીમારીઓથી બચાવી છે. પીએમ જીવન જ્યોત વીમામાં રૂપિયા ૧૨માં ૨ લાખનો વીમો આપી નાગરિકોની ચિંતા કરી છે. કોરોનાનાં સમયમાં ભારતના દરેક નાગરિકને કોરોનાની રસીના ૩ ડોઝ નિશુલ્ક આપી લોકોને જીવનદાન મળ્યું છે. ૧૫મી ઓગષ્ટથી ચાલુ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન સમગ્ર દેશમાં જન આંદોલન બની ચૂક્યું છે. યાત્રાનો લાભ લઈ દરેક લોકો સુધી યોજનાનો લાભ પોહચાડવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે જણાવ્યું કે, સુરત જિલ્લાના બારડોલી ખાતેથી આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ થયો છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી સામાન્ય નાગરિકો સુધી પહોંચે અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય એવા તેવા હેતુથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો સુભારંભ થયો છે. આદિજાતિઓના સર્વાંગી વિકાસની સાથે દેશના વિકાસના પાયો મજબુત થશે.
યાત્રા દરમિયાન સુરત જિલ્લાની ૬૯૪ ગ્રામ પંચાયતોમાં મહત્તમ લાભાર્થીઓને યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, અંતર્ગત દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.
આ કાર્યક્રમમાં બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ઉપપ્રમુખ અમિતભાઈ પટેલ, સુરત જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, માંડવી પ્રાયોજના વહીવટદાર નિધિ સિવાચ, પીએમએસએસવાયના ડાયરેક્ટર નરેન્દ્ર ઓઝા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, અગ્રણી ભરતભાઈ રાઠોડ, બારડોલી પ્રાંત, બારડોલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ અધિકારી-પદાધિકારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.






