પીઠી ચોળેલી યુવતીએ મતાધિકારનો ઉપયોગ કરી ‘પહેલા મતદાન, પછી લગ્ન’ના કર્મસૂત્રને સાર્થક કર્યું.
બારડોલીના બાબલા ગામની યુવતીએ લગ્નપ્રસંગની વ્યસ્તતા વચ્ચે લોકશાહીની ફરજ અદા કરી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ના પર્વ નિમિત્તે બારડોલી તાલુકાના બાબલા ગામની એક જાગૃત યુવતીએ લગ્નની પીઠીના દિવસે મતદાન મથકે પહોંચી લોકશાહી પ્રત્યેની પોતાની લોકશાહીની ફરજ અદા કરી હતી. ૧૩-નીઝર તાલુકા પંચાયત બેઠક માટે બાબલા ગામની મનીષાબેન હસમુખભાઈ હળપતિએ લગ્નની પૂર્વસંધ્યાએ મતદાન કરી સમાજ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આવતીકાલે સોમવારે મનીષાબેનના લગ્ન લેવાનાર છે, ત્યારે ઘરે લગ્નનો માહોલ અને પીઠીની વિધિઓ વચ્ચે પણ તેમણે મતાધિકારના ઉપયોગને સર્વોપરિ ગણ્યો હતો. પીઠીના પોષાકમાં સજ્જ થઈને તેઓ સીધા મતદાન મથક પર પહોંચ્યા હતા, અને મતદાન કર્યું હતું.તેમના પરિવારના સભ્યોએ પણ મનીષાબેનના આ નિર્ણયને વધાવ્યો હતો. લગ્નના મંગળ ગીતો વચ્ચે લોકશાહીના ઉત્સવમાં જોડાયેલા હળપતિ પરિવારે લોકોને પ્રેરણા પૂરી પાડી છે
આ પ્રસંગે મનીષાબેને જણાવ્યું હતું કે, લગ્ન જીવનનો મહત્વનો પ્રસંગ છે, પરંતુ મતદાન એ રાષ્ટ્ર અને લોકશાહીના ઘડતર માટેની પાયાની જવાબદારી છે. દરેક મતદારે કોઈ પણ સંજોગોમાં મતદાન અવશ્ય કરવું જોઈએ.





