સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: સુરત જિલ્લો
દાદા-પૌત્રએ સાથે કર્યું મતદાન: ફર્સ્ટ ટાઈમ વોટર તરીકે ક્રિશ્ન પાટનીનો પરિવાર સાથે પ્રથમ મતદાનનો અનુભવ યાદગાર
સુરતમાં મતદાન મથકો પર સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ શાળાના મતદાન મથકે ૭૭ વર્ષીય દાદા અને તેમના ૧૯ વર્ષીય પૌત્રએ સાથે મળીને મતદાન કરી જાગૃત્ત યુવા તરીકે સૌને પ્રેરણા આપી હતી.
મતદાન દિવસની સવારે ૭૭ વર્ષીય દાદાને લઇ ૧૯ વર્ષીય પૌત્રએ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દાદા પવનભાઈ પાટનીએ કહ્યું કે, હું મારા દીકરા-વહુ અને પ્રથમવાર મતદાન કરનાર પૌત્ર સાથે સહપરિવાર લોકશાહીના પર્વમાં સહભાગી થવા આવ્યો છું. મને આનંદ છે કે તમામ ચૂંટણીમાં મારો પરિવાર મત આપવામાં અગ્રેસર રહે છે.
આ તકે તેમના પૌત્ર ક્રિશ્ન પાટનીએ કહ્યું કે મારા પરિવારે મને પ્રથમ વખત મતદાન કરવા ખુબ પ્રોત્સાહન આપ્યું અને સમગ્ર પરિવાર સાથે પહેલા મતદાનનો અનુભવ યાદગાર બની રહ્યો. હવે હું આવનારી તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કરીશ અને અન્ય યુવાનો, વડીલો સહિત તમામ મતદાતાઓને પણ અવશ્ય મત આપવા આગ્રહ કરીશ.



