બાંધકામ શ્રમિકો આનંદોઃ
તા.૧૦મીએ સુરત શહેર-જિલ્લામાં વધુ ૨૨ જેટલા કડિયાનાકાઓ ખાતે શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્રોનો પ્રારંભ થશેઃ
સુરત જિલ્લાકક્ષાએ આદિજાતિ મંત્રીના હસ્તે માંડવીના કાકરાપાર ગામેથી કડિયાનાકા પરથી ભોજન વિતરણનો પ્રારંભ થશેઃ
રૂા.૫માં સ્વાદિષ્ટ ભોજન આપી રહી છે રાજ્ય સરકારઃ
રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમિક અન્નપુર્ણા યોજના કાર્યરત છે. સુરત શહેર-જિલ્લામાં રૂા.૫ના દરે શ્રમિક તથા તેમના પરિવારને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે, જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, ગોળનો સમાવેશ થાય છે. સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્ન પણ આપવામાં આવે છે. એક ભોજનમાં અંદાજે ૬૨૫ ગ્રામ અને ૧૫૨૫ કેલેરી મળી રહે છે. આ યોજનાનો લાભ લેવા માટે ભોજન વિતરણ કેન્દ્ર પર ઈ-નિર્માણ કાર્ડ અથવા કયુ.આર.કોડ સ્કેન કરાવી શ્રમિકો ભોજન મેળવી શકે છે. એક સમયમાં શ્રમિક દીઠ વધુમાં વધુ છ વ્યકિતનું ભોજન મળી શકે છે. શ્રમિક અન્નપુર્ણા યોજના હેઠળ આગામી તા.૧૦/૧૧/૨૦૨૩ના રોજ ૯.૦૦ વાગે સુરત શહેર-જિલ્લામાં નવા ૨૨ કડીયાનાકા પરથી મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે ભોજન વિતરણનો પ્રારંભ કરાશે. જેમાં જિલ્લાકક્ષાએ માંડવી તાલુકાના કાંકરાપાર, ન્યુકિલયર પાવર પ્લાન્ટ ગેટ નં.૧/૨ ખાતે ખાતે સવારે ૯.૦૦ વાગે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે પ્રારંભ થશે.
સુરત શહેરમાં તા.૧૧મીએ ધારાસભ્યોના કડીયાનાકાઓ પરથી ભોજન વિતરણનો પ્રારંભ થશે. જેમાં પુણાગામ સીતાનગર ચોકડી ખાતે, સીમાડા નાકા બાપા સીતારામ ચોક, બમરોલીના ગણેશ નગર ચાર રસ્તા ખાતે, પાંડેસરાની દક્ષેશ્વર મંદિર ચોકડી, સચિન, GIDC સ્ટેશન રોડ, ઓવર બ્રીજની નીચે, ઈચછાનાથ કડીયાનાકુ, પાલ RTO ચાર રસ્તા ખાતે, અડાજણ પાટિયા ચોકડી ખાતે, ઇસ્કોન સર્કલ જ્હાંગીરપુરા, મોરા ભાગળ ચાર રસ્તા, ઈચ્છાપોર ચોકડી ખાતે ધારાસભ્યશ્રી ગણપતભાઈ વસાવા, કતારગામના જનતાનગર પાડા, શેલ્ટર હોમના ગેટ પાસે, કોઝવે-સિંગણ પોર સર્કલ ખાતે, બાળાશ્રમ રોડ ખાતે, કતારગામના હાથી મંદિર ખાતે, મગદલ્લા ચોકડી ખાતે ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓના હસ્તે ભોજન વિતરણનો પ્રારંભ થશે.
જિલ્લામાં બારડોલીના તલાવડી, શ્રી બાબા સાહેબ આંબેડકર પ્રતિમાની સામે, માંડવીના ધોબડી નાકા ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, કામરેજ ચોકડી ખાતે, સાયણ ચાર રસ્તા ખાતે ભોજન વિતરણનો પ્રારંભ થશે. નોંધનીય છે કે, સુરત શહેર-જિલ્લામાં હાલમાં ૧૮ કડીયાનાકા પરથી ભોજન વિતરણ કરવામાં આવે છે જેમાં નવા ૨૨ કેન્દ્રોનો ઉમેરો થતા ૪૦ કડિયાનાકા પર ભોજન ઉપલબ્ધ બનશે.






