બારડોલી તાલુકાના રામપુરા ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
શિક્ષિકાની નોકરી છોડી પતિ પ્રવિણભાઈ સાથે મળી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી
મહિલા ખેડૂત ભાવનાબેને ૨ વીઘા જમીનમાં નજીવા ખર્ચે ૨૫થી વધુ પાકો થકી મહિને રૂ.૨૦ હજારની આવક મેળવી રહ્યા છે:
જંગલ મોડેલ આધારિત મોડેલ ફોર્મ બનાવવા રાજ્ય સરકાર તરફથી રૂ.૧૩,૫૦૦ સહાય પ્રાપ્ત થઈ
પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે મહત્તમ ઉત્પાદન સાથે બમણી આવક મળી રહી છેઃ મહિલા ખેડૂત ભાવનાબેન પટેલ
“સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા…” સંસ્કૃતના આ જાણીતા મંત્રનો ભાવાર્થ સર્વ સુખી રહે, સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે, સૌ રોગમુક્ત રહે એવો થાય છે. વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખાતરથી થતી ખેતીના પાકથી બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે. ખેડૂતોની આવક પણ બમણી થાય એવા લક્ષ્ય સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીને તેજ ગતિથી આગળ વધારી છે અને લાખો ખેડૂતોને આ ખેતીમાં જોડ્યા છે. જાગૃત્ત ખેડૂતોએ પ્રકૃત્તિની રક્ષા સાથે પ્રાકૃતિક ખેતીના મંડાણ કર્યા છે. ત્યારે આજે વાત છે સફળ પ્રાકૃતિક ખેતી કરતા એવા મહિલા ખેડૂતની, જેમણે શિક્ષિકાની નોકરી છોડી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી છે અને ધાર્યા કરતા બમણી સફળતા મેળવી છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપુરા ગામના મહિલા ખેડૂત ભાવનાબેન પ્રવિણભાઈ પટેલ અનુભવી ખેડૂતોની બરોબરી કરી રહ્યાં છે. તેઓ ખેડૂત સખી તરીકે કાર્ય કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. મહિલાઓને નોકરીના વિકલ્પના રૂપમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપી રહ્યા છે.
‘ઝીરો બજેટ પ્રાકૃત્તિક ખેતી કરો અને સ્વસ્થ રહો’નો સંદેશ આપી રહેલા ભાવનાબેન ૨ વીઘા જમીનમાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ.૩ લાખની આવક મેળવી રહ્યા છે. તેમજ ઓર્ગેનિક ગોળમાંથી લાડું બનાવીને વધારાની આવક પણ મેળવી રહ્યાં છે.
છેલ્લા સાત વર્ષથી જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારો પાક, વધુ ઉત્પાદન અને વધુ આવક મળતા હર્ષ સાથે ભાવનાબેને જણાવ્યું કે, બારડોલીની મોતા હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજની સાથે પરિવારની સાથે ખેતી કરતાં હતાં, પરંતુ ત્યારે તેઓ રાસાયણિક ખેતી કરતાં હતા. ત્યારબાદ ખેતીને લગતી વિવિધ શિબિરોમાંથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું. આત્મા પ્રોજેક્ટની શિબિરમાં પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. જેમાં ધીમે ધીમે સફળતા મળતાં વર્ષ ૨૦૨૫માં શિક્ષિકાની નોકરી છોડી પતિ પ્રવિણભાઈની સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા.
ભાવનાબેન વધુમાં જણાવે છે કે, પહેલા રાસાયણિક ખેતીમાં આવક ન મળતાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી. જેમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરવાની શરૂઆત કરી. આ ખેતીમાં બધા પાક એક સાથે વાવવાના હોય છે. જેથી મેં ખેતરમાં એકસામટા ૨૦ થી ૨૫ પાકનું વાવેતર કર્યું હતું. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટનો સમાવેશ થાય છે. ફ્રૂટમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું વાવેતર કર્યું છે. સાથે ચણા, ચોળી, મગ, અડદ જેવા કઠોળ પાક પણ છે. સામૂહિક પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો અને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે.
તેઓ કહે છે કે, પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે.
સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. જંગલ મોડલ આધારિત ખેતી માટેનું મોડેલ ફોર્મ બનાવવા સરકાર દ્વારા રૂ.૧૩,૫૦૦ની સહાય પ્રાપ્ત થઈ છે. ઉપરાંત, ખેડૂત સખી તરીકે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપી આ ખેતી માટે પ્રોત્સાહિત કરવાની તાલીમ માટે દર મહિને રૂ.૫૦૦૦ની સહાય મળે છે. તેમજ બારડોલી અને વેસુમાં શાકભાજી વેચાણ કેન્દ્રમાં સ્ટોલ આપવામાં આવ્યો છે, જેમાં સારા ભાવે શાકભાજીનું વેચાણ કરી શકીએ છીએ.
ભાવનાબેન કહે છે કે, પ્રાકૃત્તિક ખેતીથી ઓક્સિજન ભરપૂર માત્રામાં મળે છે, જમીન અને સ્વાસ્થ્ય સુધરે છે, સારૂ અનાજ મળે છે, નહિવત ખર્ચ સામે આવક વધુ અને નજીવા ખર્ચમાં નફો માત્ર પ્રાકૃત્તિક ખેતી થકી જ શક્ય છે.
આમ, શિક્ષિકા ભાવનાબેને ઈનોવેશન વડે સફળ પ્રાકૃત્તિક ખેતી કરી ‘ઝીરો બજેટ ખેતી’ના સ્વપ્નને હકીકતમાં સાકાર કર્યુ છે. સાથે આસપાસના ગામોમાં પ્રાકૃત્તિક ખેતી કરવા માટે ખેડૂતોને માર્ગદર્શનની સાથે પ્રેરણા પણ આપી રહ્યા છે.
જંગલ મોડલ પ્રાકૃતિક ખેતીમાં ખેડાણનો ખર્ચ લાગતો નથીઃ
જંગલ મોડલ પદ્ધતિમાં ખેડ બિલકુલ કરવાની હોતી નથી. આથી ખેતરમાં બળદ, ટ્રેક્ટર કે માણસ રાખવાનો કોઈ જ ખર્ચો થતો નથી. દવાનો છંટકાવ કરવાની પણ જરૂર પડતી નથી. એક જ ખેતરમાં બધા જ પાકો (મિક્સ) એટલે કે આંતરપાકની જેમ વાવવાના હોય છે. બે વીઘાના ખેતરમાં જંગલ મોડેલથી અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ, શાકભાજીમાં રીંગણ, ટામેટાં, તુવેર, ફુદીના અને કારેલા જેવા પાકો સિઝન પ્રમાણે તેમજ જુવાર, બાજરી અને મકાઈ જેવા અનાજ સાથે કઠોળમાં ચોળી, ગવાર, મગ અને અડદ જેવા પાકોમાં મને ઉત્તમ ઉત્પાદન મળ્યું છે, ઉપરાંત ખર્ચ નહિવત આવતા નફાનું પ્રમાણ પણ વધ્યું છે.





