બેરોજગાર પતિના માનસિક ત્રાસથી પીડિત પત્નીએ અભયમની મદદ માંગી
દંપતિ વચ્ચે સુખદ સમાધાન કરાવતી બારડોલી તાલુકાની અભયમ ટીમ
મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિતા મહિલાએ ૧૮૧ અભયમ પર ફોન કરી પતિના અયોગ્ય વર્તન અને માનસિક પીડા વિષે જાણકારી આપી હતી. ત્યારે મહિલાની મદદે પહોંચી સુરત જિલ્લાની બારડોલી અભયમ ટીમે ઘટના સ્થળે જઈ પતિ-પત્ની વચ્ચે સફળ સમાધાન કરાવ્યું હતું.
મળેલી જાણકારી મુજબ પીડિતા મહિલાએ પોતાના પરિવાર વિરૂદ્ધ પ્રેમલગ્ન કર્યા છે. અને તેમને સંતાનમાં ૨ બાળકો છે. પીડિતાએ કહ્યું કે, ઘણા સમયથી પતિ પાસે નોકરી નથી. અને નશાની પણ આદત છે. જે કારણથી પતિ છેલ્લા ૩ વર્ષથી અવાર-નવાર નાની નાની બાબતોને લઈ ઝઘડો કરીને તેમને હેરાન કરે છે. તેમણે કહ્યું કે, તેઓ નિવૃત્ત શિક્ષક દાદા સસરાના પેન્શનમાંથી ગુજરાન ચલાવે છે. પરંતુ વ્યસનની લતને કારણે પતિ એ પૈસા પણ વેડફી નાંખે છે. જેથી ઘરખર્ચ માટે પૂરું ન પડતા મહિલાએ બહાર કામ કરવાની તૈયારી બતાવતા તેની પણ ના પાડે છે. તેમજ નશાની આદતને કારણે પતિ અવાર-નવાર ઘરે આવી ખૂબ જ અપશબ્દો બોલતા હોવાથી તેમણે પતિને સમજાવવા ૧૮૧ની મદદ માંગી હતી.
ત્યારે અભયમ ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુ, એ.એસ.આઇ ચૌધરી વનિતાબેને પીડિતાના પતિને કાયદાની દ્રષ્ટીએ પત્ની પર શંકા કરી ગેરવર્તન ન કરવા સમજાવ્યું હતું. સાથે જ સ્વાસ્થ્ય પર થતી વ્યસનની ગંભીર આડ અસરો વિષે જણાવી કાઉન્સેલિંગ દરમ્યાન પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને ઝીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કરી હતી. અને બાળકોના ભવિષ્ય વિષે સમજાવી સુખી લગ્ન જીવન માટે સલાહ, સૂચન અને માર્ગદર્શન આપતા પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતું. આમ પારિવારિક સમસ્યાનું સુખદ સમાધાન આવતા બંન્ને પક્ષોએ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.





