વડાપ્રધાનશ્રીની વર્ષગાંઠ નિમિત્તે સુરત જિલ્લામાં તા.૨ ઓક્ટોબર સુધી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન યોજાશે
મહિલાઓ અને કિશોરીઓ માટે ચેક-અપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રેડિયોલોજીકલ ટેસ્ટ સહિતની નિઃશુલ્ક આરોગ્ય વિષયક સેવાઓ અપાશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૧૭ સપ્ટે.થી તા.૨ ઓક્ટોબર સુધી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન યોજાશે. જે હેઠળ સુરત જિલ્લામાં ૬ હજારથી વધુ આરોગ્ય કેમ્પ કરવામાં આવશે. જેમાં ૪૯૯૮ પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા, ૭૯૮ પ્રા.આરોગ્ય કેન્દ્ર દ્વારા, શહેરી પ્રા.આ.કેન્દ્ર દ્વારા ૫૬ અને સામુહિક આ.કે. દ્વારા ૨૧૦ જેટલા મેડિકલ કેમ્પો યોજાશે.
આ અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પમાં મેડિકલ ચેક-અપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રેડિયોલોજીકલ ટેસ્ટ સહિતની આરોગ્ય વિષયક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવશે. સાથે જ મહિલાઓમાં હાયપરટેન્શન, ડાયાબિટીસ, મુખ કેન્સર, સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સર જેવા બિન-ચેપી રોગો, ટ્યુબરક્યુલોસિસ, એનિમિયાની તપાસ અને કાઉન્સેલિંગ, આદિવાસી વિસ્તારોની મહિલાઓ માટે સિકલ સેલ તપાસ,કાર્ડ વિતરણ અને કાઉન્સેલિંગ, સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસૂતિ પહેલાની સંભાળ (ANC), માતા અને બાળ સુરક્ષા (MCP) કાર્ડનું વિતરણ અને કાઉન્સેલીંગ, બાળકોને રસીકરણ સેવાઓ, કિશોરીઓ માટે માસિક સ્રાવ સ્વચ્છતા અને પોષણ અંગે જાગૃતિ, માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ, તેલ અને ખાંડના વપરાશમાં ઘટાડો કરવા અંગે ઝુંબેશ, પોષણ પ્રમોશન અને વેલનેસ સેશન, રક્તદાન ઝુંબેશ, PMJAY હેઠળ નોંધણી/આયુષ્માન વય વંદના કાર્ડ/આભા કાર્ડનું વિતરણ તેમજ નિકશય મિત્ર સ્વયંસેવકોની નોંધણી સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાશે.





