નળધરા ગામે દીપડાએ કર્યો પાલતું કૂતરાનો શિકાર સમગ્ર ઘટના CCTV માં કેદ..
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા નળધરા ગામના વાણીયાવાડ ફળિયામાં દીપડાનો આતંક જોવા મળ્યો છે.અહીં રહેતા નયનભાઈ પાવાગઢીના ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસીને એક દીપડાએ તેમના પાલતુ કૂતરાનો શિકાર કર્યો હતો.આ ઘટના ગત રાત્રે બની હતી અને તેના કારણે ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના નળધરા ગામે રહેતા નયનભાઈ પાવાગઢીના ઘરે રાત્રીના 2 વાગ્યાના અરસામા એક કદાવર દીપડો ઘરની આશરે પાંચ ફૂટ ઊંચી દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો.ત્યારબાદ તેણે ત્યાં બાંધેલ કૂતરા પર હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો અને ઊંચકીને લઈ ગયો. સવારે નયનભાઈને આ ઘટનાની જાણ થતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ ઘટના બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ દીપડાને પકડવા માટે કોઈ નક્કર કાર્યવાહી ન થતાં નયનભાઈ સહિત ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક પાંજરા ગોઠવીને દીપડાને પકડવાની માંગ કરી છે,.જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને ગ્રામજનો સુરક્ષિત રહી શકે.આ વિસ્તારમાં દીપડાના સતત હુમલાઓથી લોકો ચિંતિત છે.





