નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી-૨૦૨૫
ઓલપાડની વિદ્યાદીપ યુનિવર્સિટીમાં માય ભારત-સુરત દ્વારા બેડમિન્ટન ટૂર્નામેન્ટ યોજાઈ
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં દેશભરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીના ભાગરૂપે ઓલપાડની વિદ્યાદીપ યુનિવર્સિટીમાં માય ભારત-સુરત દ્વારા પુરુષ તથા મહિલા કેટેગરીની બેડમિન્ટન ટૂર્નામેન્ટ યોજાઈ હતી.
કેન્દ્રીય યુવા પ્રવૃત્તિ અને રમતગમત મંત્રાલયના માય ભારત-સુરત અને વિદ્યાદીપ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ટૂર્નામેન્ટમાં અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખેલદિલીની ભાવના સાથે સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી વડે સન્માનિત કરવામાં આવ્યા.
માય ભારત- સુરતના ઉપનિદેશક શ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક જયવિક રૈયાણી તથા સંસ્કૃતિ સિંહે સમગ્ર આયોજન સંભાળ્યું હતું. ‘ફિટ ઈન્ડિયા’ અભિયાનને વેગવંતુ બનાવવા ઉપસ્થિત સૌએ નિયમિત વ્યાયામ અને રમતગમતને અપનાવી શારીરિક તંદુરસ્તી કેળવવાના શપથ લીધાં હતાં.
નિયમિત રીતે ક્રીડાપ્રવૃત્તિઓમાં જોડાઈને ચુસ્ત દુરસ્ત રહે, સ્પોર્ટ્સને જીવનનું અભિન્ન અંગ બનાવે તેમજ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા સાથે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરાયા હતા.






