અડાજણ બસ ડેપો ખાતે GSRTC દ્વારા રોડ સેફ્ટી ડિફેન્સિવ ડ્રાઇવિંગ ટ્રેનિંગ યોજાઈ
“परवाह करेंगे सुरक्षित रहेंगे” થીમ આધારિત સલામત પરિવહન અંતર્ગત સુરત, વલસાડ, ભરૂચ વિભાગના ડ્રાઈવર, કંડકટર અને મિકેનિક કક્ષાના કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા
ડિસ્ટ્રીક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા ૧૭૦થી વધુ ડ્રાઈવર-કંડકટરને સલામત પરિવહન અંગે ઓડિયો-વિઝ્યુઅલ પધ્ધતિથી રક્ષણાત્મક ડ્રાઇવિંગ તાલીમ અને માર્ગદર્શન

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(GSRTC)ના અડાજણ બસ ડેપો ખાતે ‘સલામત સવારી, એસ.ટી. અમારી’ અને ‘परवाह करेंगे, सुरक्षित रहेंगे’ થીમ પર રોડ સેફ્ટી ડિફેન્સિવ ડ્રાઇવિંગ ટ્રેનિંગ યોજાઈ હતી, જેમાં ૧૭૦થી વધુ ડ્રાઈવર-કંડકટરને સલામત પરિવહન અંગે ઓડિયો-વિઝ્યુઅલ પધ્ધતિથી રક્ષણાત્મક ડ્રાઇવિંગ તાલીમ અને માર્ગદર્શન અપાયું હતું.
તાલીમમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રેસિડેન્ટ અને રોડ સેફ્ટી ટ્રેનરશ્રી બ્રિજેશ વર્માએ ડ્રાઈવર અને કંડકટરોને મુસાફરોની સલામતી માટે જરૂરી તકેદારી, ગંભીર અકસ્માતો નિવારવા માટેના ઉપાયો અને દૈનિક કામગીરી દરમિયાન અપનાવવાની ખાસ રીતો અંગે તાલીમબદ્ધ કર્યા હતા. ઉપરાંત તેમણે ડિફેન્સિવ ડ્રાઇવિંગ, લેન ડ્રાઈવિંગ, સ્પીડ લિમિટ, રાહવીર યોજના, પેસેન્જર સાથે વાણીવર્તણૂંક, તેમજ અકસ્માત સમયે ઘાયલને મળતી સારવાર સહાય યોજનાઓ વિષે ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ફર્સ્ટ એડ, ક્વિક રિસ્પોન્સ અને ફાયર સેફ્ટી અંગે પોસ્ટર તથા વિઝ્યુઅલ દ્વારા માહિતગાર કર્યા હતા.
હાજર સૌએ સલામત ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમ પાલન અંગે શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે GSRTC ના વિભાગીય નિયામકશ્રી પી. વી. ગુર્જર, વિભાગીય પરિવહન અધિકારી એમ.વી. વાઢેર, એ.ટી.એસ સર્વ શ્રી ઓ.જી.સુરતી, એમ.એન.મોદી, ટી.આઈ.શ્રી એચ.એસ.ડાંખરા સહિત ટ્રાફિક રિજિયન-૪ના એ.એસ.આઈ. શ્રી શૈલેષ પાવાગઢી અને ડ્રાઈવર-કંડકટરો ઉપસ્થિત રહ્યા હતા.






