લોક અદાલત એટલે લોકો ની અદાલત. ના કોઈ નો વિજય ના કોઈ નો પરાજય
આગામી તા.૧૩મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશેઃ
ચેક બાઉન્સના કેસો, સીવીલ કેસો તથા મોટર એકસીડન્ટ કલેમ(MACP)ને લગતા કેસોના સમાધાન માટે કન્સીલીએશનનો લાભ લેવા અનુરોધ
૨૦૨૫ના વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત આગામી તા.૧૩/૯/૨૦૨૫ના રોજ રાજયભરમાં યોજાનાર છે. સુરત જિલ્લા મુખ્યાલય ખાતેની સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટ તથા જિલ્લાની તમામ તાલુકા અદાલતોમાં પણ લોક અદાલતને લઈ વ્યાપક તૈયારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત ૧૨મી જુલાઈના રોજ આયોજીત રાષ્ટ્રીય લોક અદાલતને સુરત ખાતે ઐતિહાસિક સફળતા મળી હતી. જેમાં શહેર-જિલ્લામાં અંદાજે ૩.૫૦ લાખ કેસોને સમાધાનથી નિકાલ કરવામાં આવ્યા હતા. લોક અદાલત થકી કોઈ પણ દીવાની તકરાર, ચેક પરતના કેસો, માત્ર દંડ થી શિક્ષાપાત્ર કેસો, દાંમ્પત્ય જીવનને લગતી છૂટાછેડા સીવાયની તકરાર, જમીન સંપાદનને લગતા કેસો, મોટર અકસ્માતના વળતર અંગેના કેસોનો સમાધાનથી નિવેડો લાવી શકાય છે.
આ વખતે સુરતની તમામ અદાલતોમાં ચેક બાઉન્સના કેસો, સીવીલ કેસો તથા મોટર એકસીડન્ટ કલેમ(MACP)ને લગતા કેસોના સમાધાન માટે મધ્યસ્થી એટલે કન્સીલીએશનની આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ પક્ષકારોને તેનો લાભ લેવા ડિસ્ટ્રીક્ટ જજ શ્રી રાહુલ ત્રિવેદી દ્વારા અપીલ કરવામાં આવી છે. વ્યવસ્થા નો લાભ લેવા નજીકની અદાલતના કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસનો સંપર્ક કરવા જિલ્લા કાનુની સેવા સત્તામંડળના ઈ.ચા.સચિવ શ્રી એન.જી.પરમાર દ્વારા અનુરોધ કરાયો છે.






