બારડોલીના ખલી ગામનું ઐતિહાસિક કેદારેશ્વર મહાદેવ મંદિર: આસ્થા, પૌરાણિક ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો ત્રિવેણી સંગમ
કેદારેશ્વર મહાદેવ સહિત અન્ય ચાર શિવલિંગ – કણકેશ્વર, કપિલેશ્વર, કદમેશ્વર અને કાંતારેશ્વર- સુરત જિલ્લામાં બિરાજમાન છે, અને આ પાંચેય ભાઈઓ હોવાની ધાર્મિક માન્યતા છે

બારડોલી અને આસપાસના લોકો મહાદેવજીને પ્રેમથી ‘કેદારદાદા’ તરીકે સંબોધે છે
કેદારેશ્વર મહાદેવનું પુણ્યશાળી ધામ અતિ પવિત્ર જયોતિર્મય હોઈ આ સ્થાન જયોતિર્લિંગ સમાન અનુભૂતિ કરાવે છે
સુરત:સોમવાર:- ‘न जानामि योग जपं नैव पूजांनतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यम्। जराजन्मदुःखौघ तातप्यमानंप्रभो पाहि आपन्नमामीश शंभो ॥ અર્થાત ‘હું ન તો યોગ જાણું છું, ન જપ અને ન પૂજા. હે શંભુ, હું તો સદા સર્વદા તમને જ નમસ્કાર કરું છું. હે પ્રભુ! વૃદ્ધાવસ્થા અને જન્મના દુઃખોના પહાડથી ત્રસ્ત, હું દુઃખી છું – મારા આ દુઃખોથી મને બચાવો. હે શંભુ, તમને નમસ્કાર… ॥
શ્રાવણ માસમાં ભગવાન શિવજીનું મહિમાગાન અનેરૂ હોય છે. શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. આવું જ એક શિવમંદિર એટલે કેદારેશ્વર મહાદેવ મંદિર.
બારડોલી શહેરથી લગભગ ૪ કિલોમીટરના અંતરે ખલી ગામે મીંઢોળા નદીના કિનારે આવેલું કેદારેશ્વર મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાતના શિવભક્તો માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર છે. આશરે ૭૦૦ વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર તેની ધાર્મિક મહત્તા ઉપરાંત ઐતિહાસિક મહત્વ માટે સુવિખ્યાત છે, જેના કારણે તેને “દક્ષિણ ગુજરાતના કેદારનાથ” તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે અને આસ્થાના મહેરામણમાં તરબોળ બની જાય છે.
મંદિરનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોવાથી તેનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ શિવલિંગ જમીનમાંથી આપમેળે પ્રગટ થયું હોવાથી સદીઓથી પૂજાય છે. તેની સ્વયંભૂ ઉત્પત્તિ જ ભક્તોને વધુ આકર્ષિત કરે છે. બારડોલી અને આસપાસના લોકો મહાદેવજીને પ્રેમથી ‘કેદારદાદા’ તરીકે સંબોધે છે. શ્રાવણ માસમાં વહેલી સવારથી જ શિવભક્તો ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે ભગવાન ભોળાનાથના દર્શનાર્થે લાંબી કતારોમાં ઉભા રહી દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ભગવાન શિવને જળ, દૂધ, બિલિપત્ર, ધતૂરો, પુષ્પો અર્પણ કરવા સાથે રૂદ્રાભિષેક અને શિવલિંગ પર જળાભિષેક કરે છે.
લોકવાયકા મુજબ, કેદારેશ્વર મહાદેવ સહિત અન્ય ચાર શિવલિંગ– કણકેશ્વર, કપિલેશ્વર, કદમેશ્વર અને કાંતારેશ્વર – સુરત જિલ્લામાં બિરાજમાન છે, અને આ પાંચેય ભાઈઓ હોવાની માન્યતા છે. ભક્તોમાં એવી શ્રદ્ધા છે કે અહીં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં આ પાંચેય મંદિરોના દર્શન કરવાથી સર્વ મનોકામના પૂરી થાય છે. બારડોલીથી આશરે ૪ કિ.મી. દૂર ધુલે માર્ગ (રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬) પર આવેલ આ મંદિરનું શ્રી કેદારેશ્વર મહાદેવ અને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વહીવટ-સંચાલન થાય છે.
ઇતિહાસકારોના મતે ચીની પ્રવાસી હ્યુ-એન-સાંગે ઈ.સ. ૬૨૯-૬૪૪ દરમિયાન તેમની ભારતયાત્રા દરમિયાન આ મંદિરની મુલાકાત લીધી હતી અને તેની ભવ્યતાનું વર્ણન પોતાના પુસ્તકમાં કર્યું હતું. શ્રી ચિન્મયાનંદ મહારાજે આ મંદિરની મુલાકાત લીધી ત્યારે મંદિરની પૌરાણિક પવિત્રતાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા, અને ભાવવિભોર બની તેમણે મંદિરનું ચૈતન્ય અને ભવ્યતાના સંબંધમાં જણાવ્યું હતું કે, ‘આખા દેશમાં ત્રણ જ મંદિરો આ મંદિરની જયોતિ સાથે સમાવિષ્ટ કરી શકાય એમ છે. અન્ય બે સ્થાનોમાં હિમાલયના કેદારનાથના પવિત્ર મંદિર અને કાબાના શિલ્પની છે ! અહીં શિવપંચાયતન તથા વિઘ્ન નિવારણ સ્વરૂપ હનુમાનજીની ધોકાવાળી મોટી મૂર્તિ પુરાણકાળથી સ્થપાઈ છે. કેદારેશ્વર મહાદેવનું પુણ્યશાળી ધામ અતિ પવિત્ર જયોતિર્મય હોઈ આ સ્થાન જયોતિર્લિંગ સમાન અનુભૂતિ કરાવે છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અવસાન બાદ તેમના અસ્થિકુંભને દેશના પવિત્ર સ્થળોએ વિસર્જન માટે મોકલવામાં આવ્યા હતા. તેમાંથી એક અસ્થિકુંભ બારડોલીના સ્વરાજ આશ્રમમાં રાખવામાં આવ્યો હતો, જ્યાંથી બારડોલીના નિસ્પૃહી લોકસેવક ડો. કપિલરામ વ્યાસની આગેવાનીમાં તેને ભજન-કીર્તન સાથે કેદારેશ્વર મંદિરે લાવીને મીંઢોળા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યો હતો.
એવું કહેવાય છે કે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ મુગલો સામે સુરત પર ચઢાઈ કરવા નીકળ્યા હતા, ત્યારે તેઓએ આ મંદિરે આવીને શિવજીના દર્શન કર્યા હતા. તેમણે મંદિરના શિખર પર સ્વયં ભગવી ધજા ચડાવીને વિજય માટે આશીર્વાદ લીધા હતા.
છેલ્લા ૧૬૫ વર્ષથી બારડોલી પાલવાડા ઔદીચ્ય બ્રાહ્મણ શિવ સપ્તાહ મંડળ દ્વારા અહીં દર વર્ષે શ્રાવણ માસમાં ગોકુલ અષ્ટમીથી અમાસ સુધી અખંડ શિવનામ સ્મરણ સપ્તાહનું આયોજન થાય છે. મંદિરનો જીણોદ્ધાર એકથી વધુ વખત થયો છે. છેલ્લું મંદિર જે હાલમાં પુનઃનિર્માણને કારણે તોડયું તે પણ આશરે ૧૦૦ વર્ષ ઉપરનું હોવાનું મનાય છે.






