અનાવલ ખાતે ગરબા અવસર ગૃપ દ્વારા દોઢિયા સ્પર્ધાનું આયોજન કરાયું
ગરબા અવસર ગૃપ દ્વારા આગામી નવરાત્રીને વધાવતાં દોઢિયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનાવલ ખાતે સુપ્રસિદ્ધ યાત્રાધામ શુકલેશ્વર મહાદેવ ધામના હોલમાં યોજાયેલ આ સરસ મજાના કાર્યક્રમ દરમિયાન યુવા હૈયાંઓ ભક્તિભાવ સાથે ઝુમી ઉઠ્યાં હતાં. અલગ અલગ વયજૂથ અનુસાર સ્પર્ધા યોજવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતભર માંથી ૧૫૦ જેટલાં નાના ભૂલકાંઓથી લઈ યુવા ભાઈ-બહેનો તેમજ કલાગુરુઓએ આ દોઢિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિવિધ કેટેગરીમાં કુલ ત્રીસ જેટલા વિજેતા ખેલૈયાઓને રોકડ રકમ સહિત ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંસ્કૃતિ જતન અર્થે કાર્યશીલ એવા યુવાઓ દ્વારા ભક્તિપર્વ નવરાત્રીના પૂર્વ દિવસોમાં ખૂબજ સુંદર આયોજન કરાતાં અન્ય ભાવિકોના સહયોગથી ખેલૈયાઓએ મન મૂકીને પોતાની કલા પ્રદર્શિત કરી હતી
– કુલીન પટેલ


