સુરત જિલ્લામાં ૦૯ તાલુકામાં કુલ ૬૨ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ૧૭ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાશે.
સુરત જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૬૨ ગ્રામ પંચાયતોમાં ૨૨મી જૂને બેલેટ પેપરથી મતદાન થશે:
૬૨ ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે ૧૪૮ ઉમેદવારો અને સભ્ય માટે ૭૯૯ ઉમેદવારી નોંધાવીઃ
૭૫ ગ્રામ પંચાયતો પૈકી કુલ ૧૩ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ
પેટાચૂંટણી હેઠળની ૧૭ ગ્રામ પંચાયતમાં સરપંચ માટે ૨૨ ઉમેદવાર જ્યારે સભ્ય માટે ૨૭ ઉમેદવારી નોંધાવીઃ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે. ત્યારે સુરત જિલ્લામાં ૦૯ તાલુકામાં કુલ ૬૨ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ૧૭ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. જયારે ૧૩ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.

સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો માટે આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ સુરત જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૨ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. જે મુજબ તા.૦૨/૦૬/૨૦૨૫ના રોજ બહાર પાડેલ જાહેરનામા મુજબ સુરત જિલ્લાના ૦૯ તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર ચૂંટણીમાં ૭૫ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી પૈકી કુલ ૧૩ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં ઓલપાડ તાલુકાની ૦૫, બારડોલીની ૦૩ બેઠક, માંડવીની ૦૩ બેઠક અને માંગરોળની ૦૨ ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. જ્યારે મતદાન થનાર છે તેમાં ૬૨ ગ્રામ પંચાયતોમાં ચોર્યાસી તાલુકામાં ૦૩, ઓલપાડ તાલુકામાં ૦૮, બારડોલીમાં ૦૪, મહુવામાં ૦૮, માંડવી તાલુકામાં ૧૫, માંગરોળ તાલુકામાં સૌથી વધુ ૧૯ ગ્રામ પંચાયતો જ્યારે ઉમરપાડામાં ૦૫ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.
સુરત જિલ્લામાં યોજાનાર ચૂંટણીમાં ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે કુલ ૬૫ બેઠક જ્યારે સભ્ય માટે કુલ ૩૪૭ બેઠક પર ચૂંટણી યોજાશે. જેમાં સામાન્ય ચુંટણીના સરપંચ માટે ૧૪૮ ઉમેદવારો અને સભ્ય માટે ૭૯૯ ઉમેદવારી નોધાવી છે. ઉપરાંત, પેટા ચુંટણી હેઠળ નવ તાલુકામાં પેટા ચૂંટણી હેઠળની ૧૭ ગ્રામ પંચાયતમાં સરપંચ માટે ૨૨ ઉમેદવાર જ્યારે સભ્ય માટે ૨૭ ઉમેદવારો હરિફાઈમાં છે. તા.૨૨મીના રોજ સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. નોટાનો અમલ કરવામાં આવશે.
આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો ઉપયોગ નહીં થાય. આચારસંહિતા તા.૨૮ મે થી ૨૫ જૂન-૨૦૨૫ના રોજ પરિણામની જાહેરાત સુધી અમલમાં રહેશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તા.૨૫મી જૂને મતગણતરી યોજાશે અને પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને મજબૂત કરવા અને જ્યાં વહીવટદાર શાસનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં નવનિયુક્ત સરપંચ અને સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સત્તા ચૂંટણી દ્વારા મળી શકશે. ચૂંટણી આયોગ દ્વારા પોલીસ અને પ્રશાસન સાથે સંકલન કરીને ચૂંટણી વ્યવસ્થાને સુચારૂ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મતદારોને પાાયાની લોકશાહીને વધુ મજબુત કરવા પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી મતદાન કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






