૧૨ જૂન: વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ
બાળમજૂરીમાં સપડાયેલા બાળકો-કિશોરોને ઉગારી તેમના શિક્ષણ- પુનર્વસનની કાળજી લેતું સુરત જિલ્લા વહીવટીતંત્ર
સુરત જિલ્લામાં બાળમજૂરી નિવારણ માટે જિલ્લા ટાસ્ક ફોર્સ સતત કાર્યરત
બાળમજૂરી અટકાવી દેશના ભવિષ્યને સુરક્ષિત બનાવીએ
કોઈ બાળક મજૂરી કરતું દેખાય, તો તેની જાણ ચાઇલ્ડલાઇન હેલ્પલાઇન નં.૧૦૯૮, શ્રમિક સુરક્ષા હેલ્પલાઇન નં. ૧૫૫૩૭૨ પર અથવા નજીકના પોલીસ સ્ટેશન કે શ્રમ વિભાગની કચેરીમાં કરી શકાય છે
સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ થકી બાળમજૂરીની સામાજિક બદીને નાથવા સુરત જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે. સુરત શહેર-જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી બાબતે મદદનીશ શ્રમ આયુકત (ચાઈલ્ડ લેબર)ના એચ.એસ.ગામીતે જણાવ્યું હતું કે, એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૫ દરમ્યાન છેલ્લાં બે વર્ષમાં ૪૭ બાળકોને કામના સ્થળેથી મુક્ત કરાવી બાળમજૂરી કરાવતાં જવાબદાર માલિકો/સંસ્થાઓ/એકમો સામે કુલ ૨૭ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે, અને કુલ ૧૨૫ કિશોરોને માલિક દ્વારા કામ કરાવતા માલુમ પડેલા જે કામ કરાવતા માલિક/સંસ્થા વિરૂદ્ધ કુલ ૬૯ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે.
બાળમજૂરીની સામાજિક બદીને નાથવા સુરત જિલ્લા વહીવટીતંત્રે કમર કસી છે. સુરત જિલ્લામાં બાળમજૂરી વિરોધી કાયદાના અસરકારક અમલીકરણ માટે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સ કાર્યરત છે. જેમાં નિવાસી અધિક કલેક્ટર (નોડલ અધિકારી), મદદનીશ શ્રમ આયુક્ત (સભ્ય સચિવ) સહિત જિલ્લા શ્રમ અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકાર્રી, સુરત મનપાના અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી, જિલ્લા બાળસુરક્ષા એકમ અધિકારી, પોલીસ અધિક્ષક, નાયબ માહિતી નિયામક સહિત એનજીઓના પ્રતિનિધિઓ સભ્ય તરીકે કાર્ય કરે છે.
ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજવામાં આવે છે અને જિલ્લામાં મહિના દરમિયાન ઓછામાં ઓછી બે રેડ કરી બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવે છે.
બાળમજૂરી અટકાવવા માટે રેઇડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરીને તેમનું રિહેબિલિટેશન (પુનર્વસન) પણ કરવામાં આવે છે.
મુક્ત કરાયેલાં બાળકોને તાત્કાલિક ધોરણે ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવે છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) દ્વારા જરૂરી તપાસ બાદ તેમના માતા-પિતાને સોંપવામાં આવે છે. બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યની CWC મારફતે વાલીઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવે છે. મુક્ત કરાયેલાં તમામ બાળકોની વિગતો જિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને મોકલવામાં આવે છે, જેઓ બાળકની ઉંમર અનુસાર યોગ્ય ધોરણમાં શાળાપ્રવેશ અપાવવાની કામગીરી કરવામાં આવે છે, જેથી તેઓ શિક્ષણથી વંચિત ન રહે.
જો મુક્ત કરાયેલ બાળકનાં માતા-પિતા પાસે કોઈ આર્થિક ઉપાર્જનનું સાધન ન હોય, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સંચાલિત વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો લાભ અપાવી તે પરિવારના આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે.
સુરત જિલ્લામાં બાળમજૂરી નિવારણ માટે શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં સમયાંતરે સ્ટીકર, પોસ્ટર, પેમ્પલેટ, કેલેન્ડર, ભીંતચિત્રો, વોલસ્લોગન તેમજ સ્ટ્રીટ પ્લે કે નાટ્યકૃતિ દ્વારા બાળમજૂરી સામે લોકજાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. બહારના રાજ્યમાંથી સ્થળાંતરિત થઈને સુરત આવેલા શ્રમિક પરિવારોમાં બાળમજૂરી કરાવવામાં આવે છે, આવા ઔદ્યોગિક વિસ્તારોમાં સઘન કામગીરી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં બાળ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬માં કરાયેલા સુધારા બાદ કાયદાનું નામ ‘બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬’ કરવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ ૧૪ વર્ષથી ઓછી વયનાં બાળકોને કોઈપણ પ્રકારના વ્યવસાયમાં શ્રમપ્રવૃત્તિ કરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ૧૪થી ૧૮ વર્ષના તરૂણોને જોખમી વ્યવસાયો અથવા પ્રક્રિયાઓમાં કામે રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ કાયદાનો ભંગ કરનાર માલિકને રૂ. ૧,૦૦,૦૦૦ સુધીનો દંડ અથવા ૬ માસ સુધીની જેલ અથવા બંને સજાની જોગવાઈ છે.
સુરત જિલ્લા વહીવટીતંત્ર સમાજની નબળાઈ સમાન બાળમજૂરીના દૂષણને દૂર કરવા કટિબદ્ધ છે. આ મિશન નાગરિકોના સહયોગ વિના અધૂરૂ છે. જો આસપાસ કોઈ બાળક મજૂરી કરતું દેખાય તો તેની જાણ તાત્કાલિક ચાઇલ્ડલાઇન હેલ્પલાઇન નં.૧૦૯૮ અથવા શ્રમિક સુરક્ષા હેલ્પલાઇન નં. ૧૫૫૩૭૨ પર અથવા નજીકના પોલીસ સ્ટેશન કે શ્રમ વિભાગની કચેરીમાં કરી શકાય છે. નાગરિકની એક જાગૃત પહેલ કોઈ બાળકનું ભવિષ્ય બચાવી શકે છે.






