Traffic Tail

ચોર્યાસી તાલુકાના દામકા, ઓલપાડના પિંજરત અને માસમા ગામે કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું

SHARE:

ચોર્યાસી તાલુકાના દામકા, ઓલપાડના પિંજરત અને માસમા ગામે કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું

ચોમાસાની ઋતુમાં ખેતી-પશુપાલન વિષયક તેમજ સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરૂ પાડવાનો કૃષિ સંકલ્પ અભિયાનનો હેતુ


કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન દેશવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ યોજાઈ રહ્યું છે, ત્યારે ચોર્યાસી તાલુકાના દામકા તેમજ ઓલપાડ તાલુકાના પિંજરત અને માસમા ગામે કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. જેમાં ચોમાસાની ઋતુમાં ખેતી, વાવણી માટે બિયારણની પસંદગી, પશુપાલન, સરકારની વિવિધ કૃષિ યોજનાઓ, કૃષિ આબોહવા, જમીનમાં પોષક તત્વોની હાજરી, પોષક તત્વોનો અભાવ, સિંચાઈના પાણીની સ્થિતિ, વરસાદ, માટીની ગુણવત્તા, સોઇલ હેલ્થ કાર્ડના આધારે અનૂકૂળ પાકનું વાવેતર વિશે ખેડૂતોને માહિતગાર કરાયા હતા.
દામકા ગામે તા.૨૯મીએ આયોજિત સમારોહમાં સંશોધન વૈજ્ઞાનિક (કપાસ) ડો.એમ.સી. પટેલે કપાસની વિવિધ જાતો તથા તેના બિયારણ અંગે, આત્મા સુરતના પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી.ગામીતે પ્રાકૃતિક કૃષિના મહત્વ અને સુરતમાં તેની બજાર વ્યવસ્થા વિષે, ઇફકોના અંકિતભાઈએ ઇફકોની પ્રોડક્ટ નેનો યુરિયા તથા નેનો ડીએપી વિષે, અસ્પી કોલેજના પ્રા. ડો.કાલરીયાએ ખેતી તથા તેને સંલગ્ન વ્યવસાયના અભ્યાસલક્ષી અભ્યાસક્રમોની સવિસ્તર જાણકારી આપી હતી.


નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત દિપીકાબેને ડ્રોનથી ઓછા સમયમાં વધુ અસરકારક રીતે જંતુનાશક દવા કે જીવામૃત છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન આપ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જનકસિંહ રાઠોડે અભિયાન વિષે તલસ્પર્શી વિગતો આપી હતી. વૈજ્ઞાનિક તથ્યોના આધારે ખેડૂતોને વિવિધ ખરીફ પાકો તેમજ પ્રગતિશીલ ખેતીથી વાકેફ કરાયા હતા.
ઉપરાંત, તા.૩૦મીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જનકસિંહ રાઠોડ, પાક સંરક્ષણ વૈજ્ઞાનિક ડો.રાકેશ પટેલે પિંજરત અને માસમા ગામે આયોજિત કૃષિ સંકલ્પ રથયાત્રા દરમિયાન કૃષિ યોજનાઓ, પ્રાકૃતિક કૃષિ અને જળ સંરક્ષણની પદ્ધતિઓ અને કૃષિના અદ્યતન સંશોધનો, ખેતીમાં યાંત્રિકીકરણ અને આધુનિક ખેતી પ્રયોગો, સરકાર દ્વારા અપાતી સબસીડી અને પ્રોત્સાહન વિષે સમજ આપી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!