સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
સુરત જિલ્લામાં સિઝનનો પ્રથમ ધમાકેદાર વરસાદ, કામરેજમાં સૌથી વધુ ૬૦ મીમી
૧ જૂન થી ૩૦ જૂન-૨૦૨૬ સુધીના એક માસમાં રાજ્યમાં કુલ ૩૨.૨૪ મીમી વરસાદ નોંધાયો
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ રાત્રિથી શરૂ થયેલા અવિરત અને સાર્વત્રિક વરસાદને પગલે આનંદની લાગણી છવાઈ છે. છેલ્લા કેટલાય સમયથી અસહ્ય ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ઉઠેલા નાગરિકોને આ કાચા સોના જેવા વરસાદથી મોટી રાહત મળી છે.
સુરત જિલ્લામાં ગઈ કાલ સાંજથી જ ચોમાસાએ વિધિવત રીતે ધમાકેદાર ઇનિંગની શરૂઆત કરી દીધી છે. સુરત જિલ્લા કંટ્રોલ રૂમના સત્તાવાર અહેવાલ મુજબ, આજે જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વહેલી સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધીના સમયગાળામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ કુલ વરસાદ ૮૫.૪૨ મીમી એ પહોંચ્યો છે.
વરસાદની તાલુકાવાર આંકડાકીય વિગત મુજબ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામરેજ તાલુકામાં ૬૦ મીમી નોંધાયો છે. જ્યારે સુરત શહેરમાં સવારે ૦૮ થી ૧૦ વાગ્યાના માત્ર બે કલાકમાં જ ૪૪ મીમી વરસાદ ખાબકતા હતો. જ્યારે સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૬૧ મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, પલસાણામાં ૪૫ મીમી, ઓલપાડમાં ૩૫ મીમી, ચોર્યાસીમાં ૩૩ મીમી અને માંગરોળમાં ૩૦ મીમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. બારડોલીમાં ૩૯ મીમી અને મહુવામાં સવારે ૧૦ થી ૧૨ના સમયગાળામાં એક સાથે ૨૫ મીમી સાથે સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કુલમાં ૪૧ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડા અને અરેઠમાં ૧૦-૧૦ મીમી અને માંડવીમાં ૫ મીમી વરસાદ નોંધાયો છે. જો સમગ્ર સુરત જિલ્લામાં સરેરાશ વરસાદ ૩૩.૯૨ મીમી નોંધાયો છે. સિઝનના કુલ વરસાદની દ્રષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૫૬ મીમી વરસાદ સુરત શહેરમાં અને ૧૫૨ મીમી વરસાદ કામરેજમાં નોંધાઈ ચૂક્યો છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ કંટ્રોલ રૂમ દ્વારા તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનના પ્રથમ મહિના એટલે કે જૂન માસ દરમિયાન નોંધાયેલા વરસાદની વિગતો મુજબ ૧ જૂન ૨૦૨૬થી આજ દિન સુધીમાં (૩૦ જૂન ૨૦૨૬) રાજ્યમાં કુલ ૩૨.૨૪ મીમી વરસાદ નોંધાયો છે. આજના દિવસ દરમિયાન ગુજરાતના કુલ ૧૪ જિલ્લાઓના ૫૩ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. જેમાં સમગ્ર રાજ્યના તાલુકાઓની સરેરાશ મુજબ આજે ૩.૮૨ મીમી વરસાદ નોંધાયો છે. આ અવિરત વરસાદ જગતના તાત માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. સિઝનના આ પ્રથમ ધમાકેદાર વરસાદથી ખાસ કરીને ડાંગરના પાકને નવું જીવન મળ્યું છે. વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. ધરતી પુત્રોએ ખેતી કામની શરૂઆત કરી દીધી છે અને ચાલુ વર્ષે સારો પાક ઉતરશે તેવી આશા બંધાઈ રહી છે.



