દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ અખાત્રીજે હળ સાથે બળદને જોડીને તેની પૂજા સાથે ખેતીની શુભ શરૂઆત કરે છે
અખાત્રીજના દિવસે ગામના વડીલો, ભગતો, ખેડૂતો દ્વારા ખેતીકામમાં વાવણી કે રોપણી સમયે ઉપયોગી ઓજારોનું પૂજન થાય છે

આદિવાસી પરંપરામાં અખાત્રીજે હળ સાથે બળદને જોડીને તેની પૂજા સાથે ખેતીની શુભ શરૂઆત
વૈશાખ સુદ ત્રીજને આદિવાસીઓ અક્ષય તૃતિયા (અખાત્રીજ) કહે છે. આદિજાતિ પરંપરામાં ચોમાસું કેવું જશે અને તેના માટે અખાત્રીજનો ઉત્સવ થાય છે. ખાસ કરીને ઢોડિયા, કુંકણા, વારલી, ભીલ સમાજના લોકો ઉજવણી કરે છે. કુંકણા સમાજમાં કુંનબીઓમાં વસંત ગૌરીનું પૂજન કુનબીઓ જ કરે છે. એટલે ગૌરાઈ પુજન એક સ્વાભિમાન ધરાવતી પૂજા મનાય છે. ગૌરાઈ (ગવરાઈ) પૂજન એટલે એક વાંસની ટોપલી લઈ તેમાં નદીમાંથી પાણી માટી ભરી, પાંચ પ્રકારના ધાન્ય; ભાત, ઘંઉ, નાગલી, મકાઈ અને અડદની વાવણી કરી તેનું પૂજન કરે છે. અખાત્રીજના સાત-આઠ દિવસ પહેલા વાવેલુ ઉગી નીકળે છે. એટલે અખાત્રીજે વાવણી માટેના બીજની ચકાસણી પણ થાય છે. ડાંગમાં વિવિધ ભાગોમાં આ પ્રમાણે પૂજન થાય છે. અને ગોરાઈ (ગવરાઈ)ને પાણી સિંચવાનો અધિકાર કુમારિકાઓને જ હોય છે. ગીતો પણ ગવાય છે.
અનાવ નાંગર ખેડાવ ભુઈએ
અનાવ એળુ શેળુ ધાના,
પિરાવ ધાના,
અનાવ ગંગા પાની, શિપાવ ધાના,
બાઈ શિપાવ ધાના,
આમચ્છા ગૌરાઈલા એક જ પા
નાવ
બાઈ એક જ પાના
અખાત્રીજના દિવસે ગૌરાઈને નદીમાં પધરાવતા પહેલાં ગામની બધી ગૌરાઈ (ટોપલીઓ) સાંજે એક જગ્યાએ ભેગી કરવામાં આવે છે. ત્યારે સ્ત્રીઓ ટોપલીઓમાંથી એક બે રોપાને કાઢીને માંથામાં ખોસે છે. પછી ગૌરાઈ માથે મૂકીને ગ્રામદેવતા પાસે જઈ ત્યાં મૂકીને ફેરા ફરે છે, નાચે પણ છે. સ્ત્રીઓ ગીતો લલકારતા પાંચ વખત નદીમાં ડુબાડીને કાંઠે મુકે છે. આમ, ગૌરાઈનું વિસર્જન નદીમાં ભાવપૂર્ણ રીતે થાય છે. ત્યારબાદ ભાખરનો પ્રસાદ વહેંચવામાં આવે છે. ટોપલીમાં ઉગાડેલ ધાન્ય જાડું કે પાતળું તેના પરથી ખેતીનું વર્ષ કેવું જશે તેનું અનુમાન તારવે છે. બાકીના નવ પ્રકારના ધાન પણ પાકનો સારો ઉતારો આપે તે માટે પ્રકૃતિના હવા, પાણી, સૂર્ય, ચંદ્ર અને ધરતીને પ્રાર્થના કરવામા આવે છે.
આદિવાસીઓનું જીવન ખેતીકામ આધારિત હોવાનાં કારણે અખાત્રીજનું વિશેષ મહત્વ છે. જેની વાવણી બગડે તેનું આખું વર્ષ બગડે. એટલે વાવણી શરૂ કરતાં પહેલાં આ પૂજા કરવામાં આવે છે. ચૌધરી લોકબોલીમાં એને “અખાતરી” તરીકે ઓળખવામાં આવે છે.
અખાત્રીજના દિવસે ગામના વડીલો અને ભગતો (પૂજા વિધિ જાણકાર) ભેગા મળીને ખેતીકામમાં વાવણી કે રોપણી સમયે ઉપયોગી ઓજારોની પૂજા કરે છે. આ દિવસે ગામના ભગત પોતપોતાના ઘરેથી કોઠારી (વિવિધ બિયારણ/પૂજા સામગ્રીથી ભરેલી વાંસની ટોપલી) લઈને ગામમાં આવેલા “બગની ભૂત” નામના આદિવાસી દેવ થાનકે ભેગા થાય છે અને કુદરતને પ્રાર્થના કરે છે કે ‘હવે અમે ખેતરમાં કામ કરવાની શરૂઆત કરીએ છીએ, તેં આપેલી કણીને ખેતરમાં વાવણી કરવા જઈએ છીએ. જેથી હવે વહેલી તકે વરસાદ લાવવાની જવાબદારી અને પાક ઉગાડવાની જવાબદારી તારી છે.
આ પૂજા થઈ ગયા પછી કોઠારીમાં રહેલું અનાજ એટલે કે કણી ગામના દરેક ઘરે થોડું થોડું આપવામાં આવે છે. જેને ગામનો દરેક ખેડૂત પોતાના ઘરમાં રહેલા અનાજ સાથે ભેળવી દે છે. આ પૂજા કર્યા પછી દરેક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરવાની શરૂઆત કરે છે.
ઢોડિયા લોકો અગાઉ જયારે બળદ અને હળથી ખેતી કરતા હતા. આધુનિક જમાનામાં હવે હળ રહયા નથી. કયાંક કયાંક હજુ જોવા મળે છે. અખાત્રીજના દિવસે હળ સાથે બળદને જોડીને તેની પૂજા કરે છે. અને ખેતીની શુભશરૂઆત કરે છે.






