અનાવલ રાઉન્ડ જંગલ વિસ્તારમાંથી ખેર,મહુડા ના ઝાડો કપાતા બીટ ગાર્ડ સસ્પેન્ડ.

મહુવા તાલુકાના અનાવલ રાઉન્ડ વિસ્તારના જંગલોમાંથી ગેરકાયદેસર રીતે ખેર તેમજ મહુડાના વૃક્ષોનુ કટીંગ થયુ હોવાનુ બહાર આવતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કમિટી બનાવી અનાવલ રાઉન્ડના જવાબદાર બીટ ગાર્ડને સસ્પેન્ડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના અનાવલ રાઉન્ડ વિસ્તારમાં આવેલ જંગલોમાંથી જવાબદાર તંત્રની ઢીલી કામગીરીને લઈ અવારનવાર ગેરકાયદેસર રીતે અનામત વૃક્ષોનુ કટીંગ કરી વિરપ્પનો દ્વારા આ કિંમતી લાકડાની તસ્કરી કરવામાં આવે છે.મહુવા વન વિભાગના અધિકારીઓ દ્વારા આ લાકડા ચોર વિરપ્પનોને પકડવા માટે ઠેરઠેર ચેકપોસ્ટ પણ બનાવવામાં આવી છે પરંતુ તે
ચેકપોસ્ટ ફક્ત નામ પુરતી જ સાબિત થઈ રહી છે.ગત દિવસોમાં મહુવા તાલુકાના અનાવલ વિસ્તારમાં આવેલ ગાઢ જંગલોમાં અંદરથી અનામત વૃક્ષોનુ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે કટીંગ થયુ હોવાની માહિતી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને મળતા તેમણે ઘટનાની ગંભીરતા સમજી એક એસીએફ અને બે આર.એફ.ઓની એક તપાસ કમિટી બનાવી તપાસ હાથ ધરી હતી.
તપાસ કમિટી દ્વારા અનાવલ રાઉન્ડ વિસ્તારના જંગલોમાં તપાસ કરતા મોટી સંખ્યામાં ખેર તેમજ મહુડાના વૃક્ષોની ગેરકાયદેસર રીતે કાપણી થઈ હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી મળતા જ અનાવલ રાઉન્ડના ઇન્ચાર્જ ફોરેસ્ટર એવા બીટ ગાર્ડ પાર્વતીબેન ચૌધરીને સસ્પેન્ડ કરી દીધા હતા.અને જંગલ વિસ્તારમાં કેટલા વૃક્ષોનુ ગેરકાયદેસર રીતે કટીંગ થયુ હોવાની તપાસ કમિટી દ્વારા તપાસ હાથ ધરી હતી.વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ કડક કાર્યવાહીને જોઈ મહુવા વન વિભાગના અન્ય કર્મચારીઓમા ફફડાટ ફેલાય ગયો હતો.
બોક્સ :————–
અનાવલ જંગલમાંથી ખેર તેમજ અન્ય વૃક્ષોના ગેરકાયદેસર કટીંગ અંગે તપાસ કમિટી બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.તપાસ દરમિયાન એક મહિલા બીટ ગાર્ડ પાર્વતીબેન ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.અને કેટલા વૃક્ષો કપાયા તે અંગેની તપાસ હજી ચાલુ છે.
– ધીરજકુમાર ડી.એફ.ઓ સુરત




