મહુવા તાલુકાના ગુણસવેલ ગામે ઘરે ઘરે ફરતા એક મહિલા અને એક પુરુષને શંકાસ્પદ હરકતો સાથે જોતા ગામ લોકોએ નાના બાળકો ઉઠાવી લેતી ગેંગના સભ્યો સમજી ઢોર મારી પોલીસને સુપ્રત કર્યા હતા.
આજે સવારના સમયે મહુવા તાલુકાના ગુણસવેલ ગામે હિન્દી ભાષી જણાતા એક પુરુષ અને એક મહિલાને ઘરે ઘરે ફરી પૂછપરછ કરતા જોતા ગામના લોકોને આ બન્ને નાના બાળકોને ઉઠાવી જવાની ગેંગના માણસો હોવાનું સમજી શંકાસ્પદ હરકતો સાથે ઝડપ્યા હતા. બન્ને મૂળ મધ્ય પ્રદેશના વતની હોવાનું જણાતા લોકોની પૂછપરછમાં તેઓ ગોળગોળ જવાબો આપતા જણાયા હતા. યોગ્ય જવાબો ના મળતા શંકા આધારે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગામ લોકોએ મારપીટ શરૂ કરી હતી. બન્નેને છેવટે ગ્રામપંચાયત ઓફિસમાં બેસાડી મહુવા પોલીસને જાણ કરાઈ હતી. મહુવા પોલીસની પૂછપરછમાં બન્ને વ્યક્તિઓપતિ પત્ની હોવા સાથે મૂળ મધ્ય પ્રદેશના અને હાલમાં ઉનાઈ ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. મહુવા પોલીસ મથકે બન્નેને લઈ જઈ વધુ પૂછપરછ કરતા તેઓના નામ ભીમનાથ બજુનાથ પવાર તથા શારદા ભીમનાથ પવાર જણાતા બન્નેએ પોતે વડોદરા ખાતે આવેલ નાના બાળકો માટેના માનવ સેવા ટ્રસ્ટના કર્મચારી હોવાનું જણાવ્યું હતું. તેઓએ આ બાબતના વિવિધ પુરાવાઓ પણ પોલીસને બતાવ્યા હતા. પુરાવાઓનું વેરીફીકેશન કરતા પોલીસે વડોદરા ખાતે આવેલા ટ્રસ્ટમાં ફોન કરી તપાસ કરતા ઝડપાયેલા બન્ને ટ્રસ્ટના કર્મચારી હોવાનું જણાવ્યું હતું. અને તેઓની જવાબદારી બાળકોના ટ્રસ્ટ માટે ફંડ એકત્રિત કરવા માટેની હતી. મહુવા પોલીસે સમગ્ર મામલો ગેરસમજનો હોય ઝડપાયેલા બન્નેના રજૂ કરાયેલા પુરાવાઓની ખરાઇ કરી તેઓને મુક્ત કર્યા હતા.




