પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો
રામનવમીના પવિત્ર પર્વે નવી સિવિલ હોસ્પિટલના બાળદર્દીઓને રમકડાં, ચોકલેટ, ફુગ્ગાઓ અને મીઠાઈ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને ગોળ, ખજૂર, ધાણી, ફળોની ૧૫૧ પોષણકીટ અર્પણ કરી જન્મદિનની સેવાસભર ઉજવણી
‘જ્યોત સે જ્યોત જલાવો’ એ ભાવના સાથે નવી સિવિલમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય, સમાજિક અગ્રણીઓ દ્વારા શુભ પ્રસંગોએ નવી સિવિલના દર્દીઓને મદદરૂપ થવાની સેવાકીય પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે, જે પ્રેરણાદાયી છે: સંધ્યાબેન ગહલૌત
રામનવમીના પાવન પર્વે નવી સિવિલ હોસ્પિટલમાં સુરતના પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં દાખલ બાળદર્દીઓને રમકડાં, ચોકલેટ, બિસ્કીટ, ફુગ્ગાઓ અને મીઠાઈની કીટ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને ગોળ, ખજૂર, ધાણી, ફળોની ૧૫૧ પોષણકીટ અર્પણ કરીને ઉજવ્યો હતો. નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા તેમજ પોલીસ કમિશનર
અનુપમસિંહ ગહલૌતના ધર્મપત્ની સંધ્યાબેન ગહલૌતની ઉપસ્થિતિમાં સિવિલના બાળકો સાથે જન્મદિનની અનોખી ઉજવણી કરનાર કોમલ બચકાનીવાલા તેમજ પરમાર્થ ફાઉન્ડેશનના સભ્યો દિવાળી, રામનવમી, જન્માષ્ટમી જેવા તહેવારોમાં અવારનવાર નવી સિવિલમાં સેવાકાર્યોમાં યોગદાન આપી દર્દીઓને સહાયરૂપ બનતા રહે છે. આજે રામનવમીએ બાળ અને મહિલા વોર્ડ જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
સંધ્યાબેન ગહલૌતે જન્મદિનની ઉજવણી સેવભાવના સાથે જરૂરિયાતમંદ દર્દીઓ, વંચિત લોકોને મદદ કરીને ઉજવવાની ભાવના સરાહનીય છે એમ જણાવી કોમલબેનને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.
સંધ્યાબેને જણાવ્યુ કે, શિક્ષિત, જાગૃત્ત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એ માટે સક્ષમ, સમૃદ્ધ લોકો વંચિત વર્ગને પડખે ઉભા રહે તે જરૂરી છે. અન્યને મદદ મળે છે સાથોસાથ સેવાનો સંતોષ અને પૂણ્યકાર્યમાં સહભાગી થયાનો અનોખો ભાવ જાગે છે. જે અન્યોને પણ સેવાની સરવાણીમાં જોડાવાની પ્રેરણા આપે છે.
‘જ્યોત સે જ્યોત જલાવો’ એ ભાવના સાથે નવી સિવિલમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય, સમાજિક, ધાર્મિક અગ્રણીઓ જન્મદિન, એનિવર્સરી જેવા અનોખા પ્રસંગોએ નવી સિવિલમાં આવીને દર્દીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનોને મદદરૂપ થવાની સેવાકીય પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે, જે પ્રેરણાદાયી છે એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે સંધ્યાબેન ગહલૌત, સિમ્મી બચકાનીવાલા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસો.ના સંજય પરમાર, તબીબો અને નર્સિંગ સ્ટાફ, સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.




