સુરત જિલ્લાના ઓર્ગેનિક ખેતી કરતા ખેડુતો પોતાની ખેત પેદાશોની વિદેશોમાં એક્સપોર્ટ કરી શકે તે માટે બારડોલી ખાતે માર્ગદર્શન તાલીમ શિબિર યોજાઈઃ

SHARE:

સુરત જિલ્લાના ઓર્ગેનિક ખેતી કરતા ખેડુતો પોતાની ખેત પેદાશોની વિદેશોમાં એક્સપોર્ટ કરી શકે તે માટે બારડોલી ખાતે માર્ગદર્શન તાલીમ શિબિર યોજાઈઃ
 
ઓર્ગેનિક ખેતપેદાશો વિદેશમાં એક્સપોર્ટ કરી શકાય તે માટે મનોમંથન કરાયુંઃ
 
દક્ષિણ ગુજરાતમાંથી શાકભાજી, ચોખા અને કેરી જેવી ખેતપેદાશોમાં મોટા પાયે નિકાસ થાય છેઃ

સુરતઃ માહિતી બ્યુરોઃ સોમવારઃ- ભારત દેશ ૨૦૪૭માં વિકસિત ભારત બને તે માટેના સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના ઓર્ગેનિક ખેતી કરતા ખેડુતો તેમની ખેત ઉત્પાદનો વિદેશોમાં એક્સપોર્ટ કરી શકે તે માટે બ્યુરો વેરીટાસ પ્રા.લિ. વડોદરા સર્ટીફીકેશન એજન્સી કંપની તથા સુરત આત્મા પ્રોજેકટના સંયુકત ઉપક્રમે વિદેશમાં એક્ષ્પોર્ટ બાબતે બારડોલી ખાતે અવેરનેસ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલા તાલીમમાં જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર એન.જી.ગામીતે જણાવ્યું હતું કે, પ્રાકુતિક- ઓર્ગેનિક ખેતી કરતા ખેડુતોની ખેત પેદાશોની ભારે માંગ છે જેથી પોતાના ફાર્મનું રજીસ્ટ્રેશન કરીને આગળ વધી શકે છે.
કાર્યક્રમમાં બ્યુરો વેરીટાસ કંપનીના જનરલ મેનેજર શ્રી રામ શર્માએ, સર્ટીફિકેશન મેનેજર પંકજ શર્મા, સેલ્સ મેનેજર વિપુલ સોની તથા ટેકનીકલ એક્સપર્ટ ચંદ્રકાંત પટેલે માર્ગદર્શન આપતા કહ્યું કે, વિદેશમાં એક્સપોર્ટ કરતા પહેલા પ્રથમ જે તે ફાર્મનું સર્ટિફાઈડ કંપની પાસે સર્ટીફિકેશન કરાવવું પડશે. જેમાં સી-૧, સી-૨,સી-૩ અને ચોથા વર્ષે રેગ્યુલેશન સર્ટીફિકેશન મળે છે. હાલમાં વિદેશોમાં ફુડ ક્રોપ, મકાઈ, ભીંડા, ગુવાર જેવી ખેતપેદાશોની માંગ વધી રહી છે. જેમાં ખેડુતોને રજીસ્ટ્રેશન કરાવવા માટે અનુરોધ કર્યો હતો.
વાલોડના પ્રગતિશીલ ખેડૂત જીગર દેસાઈએ કહ્યું કે, જે તે ઉત્પાદકોએ પોતાની પ્રોડકશનનું વેલ્યુએડિશન કરીને વેચાણ કરવું પડશે. હાલમાં એવાકાડોની માંગ વધી રહી છે જેથી તે ખેતીમાં આગળ વધી શકાય. એક્સપોર્ટ કરતા પહેલા ફાર્મનું સર્ટીફિકેશન કરાવવું જરૂરી હોવાનું કહ્યું હતું.
પ્લાન્ટ કવોરેન્ટાઈનના નાયબ નિયામક વિજયસિંહ સોલંકીએ કહ્યું કે, કોઈ ખેતપેદાશોને વિદેશમાં એક્સપોર્ટ કરતા પહેલા કવોરન્ટાઈન કચેરીમાં સર્ટીફિકેટ મળ્યા બાદ કરી શકે છે. દક્ષિણ ગુજરાતમાંથી શાકભાજી, ચોખા, કેરી અને કઠોળ જેવી ખેતપેદાશનોનું એક્સપોર્ટ થાય છે. છેલ્લા છ વર્ષમાં ૧૧૦થી વધુ દેશોમાં અહીની પેદાશો એકસપોર્ટ થઈ રહી છે. સૌથી વધુ ઈગ્લેન્ડ, યુરોપિયન કંપનીઓમાં એકસપોર્ટ થાય છે જયારે આફ્રિકન દેશોમાં ચોખાની વધુ નિકાસ થતુ હોવાનું તેઓએ જણાવ્યું હતું.
આ અવસરે નાયબ બાગાયત નિયામક શ્રી સી.જી.પટેલે જણાવ્યું હતું કે, બાગાયત વિભાગ દ્વારા ૧૩૦થી વધુ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. એક્સપોર્ટ માટે ખેત પેદાશોના પેકિંગ માટેની સહાય, પ્લાન્ટીગ મટીરીયલ્સ માટે સહાય, શાકભાજીમાં ધરૂ, હવાઈ તથા દરિયાઈ માર્ગે નિકાસ માટેની સબસિડી મળે છે. પ્રાકૃતિક ખેતી માટે હેકટરદીઠ રૂ.૨૦ હજાર સહાય આપવામાં આવે છે.
આ પ્રસંગે બાગાયત અધિકારી અકુર દેસાઈએ કહ્યું કે, ખેત પેદાશોના એકસપોર્ટ માટે અપેડામાં ફાર્મનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડુત કમલેશભાઈ તથા જિલ્લાના પ્રાકૃતિક-ઓર્ગેનિક ખેતી કરતા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!