Traffic Tail

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં અમરોલીના છાપરાભાઠા ખાતે ગામે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ઉમંગભેર ઉજવણી

SHARE:

માટીનું ઋણ ચૂકવવાના અભિયાનથી સમગ્ર દેશવાસીઓમાં દેશદાઝની ભાવના પ્રબળ બની: વનમંત્રી મુકેશભાઈ પટેલ

વતનની શાન જાળવી રાખવા આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીરોને સમર્પિત ‘મારી માટી મારો દેશ’ અભિયાન સમગ્ર દેશ-રાજ્યમાં તા.૯ ઓગસ્ટથી શરૂ છે, જેના ભાગરૂપે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં અમરોલીના છાપરાભાઠા પ્રાથમિક શાળા ખાતે સુરત મહાનગરપાલિકા આયોજિત ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી.

ગામે ગામ ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી પાંચ થીમ આધારિત થઈ રહી છે. જેમાં શિલાફલકમ અનાવરણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વસુધાવંદન હેઠળ વૃક્ષારોપણ, ધ્વજવંદન અને વીરોને વંદનનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ‘વંદે માતરમ’ના નારા સાથે પ્રાસંગિક પ્રવચન આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૯ થી ૩૦ ઓગષ્ટ સુધી ચાલનારા આ કાર્યક્રમ દ્વારા દેશના વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો અનેરો અવસર મળ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ થયેલા આ અભિયાનથી સમગ્ર દેશવાસીઓમાં દેશદાઝની ભાવના પ્રબળ બની છે. દેશભરમાંથી એકત્ર થતી માટીના રૂપે સમગ્ર દેશવાસીઓને નવી દિલ્હીના કર્તવ્યપથ પર નિર્માણ પામનારા શહીદ સ્મારકમાં ભાગીદારી નોંધાવવાની અનેરી તક પ્રાપ્ત થઈ છે એમ તેમણે ઉમેર્યું હતું.
છાપરાભાઠા વિસ્તારના વિકાસની ઝાંખી આપતા તેમણે જણાવ્યું હતું કે, નવા રોડ-રસ્તા અને બ્રિજના નિર્માણથી ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે. તેમજ મિની ભારત સમા સુરતમાં પરપ્રાંતીય બાળકોને માતૃભાષામાં ભણવાની તક આપતી શાળાઓ પણ કાર્યરત છે. સાથે જ પાણી અને આવાસના વિકાસ કાર્યોની વિગતો આપી હતી.
આ કાર્યક્રમમાં વીરોને વંદન હેઠળ માતૃભૂમિની રક્ષા માટે બલિદાન આપી વીરગતિ પામેલા સ્વાતંત્ર્ય સૈનિક શહીદ સુંદરરાવ ગણપતરાવ મોરના પરિવાર તેમજ નિવૃત્ત આર્મી ઓફિસર અરવિંદભાઈ ચોવટિયાનું સન્માન કરાયું હતું. સૌએ હાથમાં માટી સાથે પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી, તેમજ વૃક્ષારોપણ અને રાષ્ટ્રગાનની ધુન સાથે ધ્વજવંદન કરાયું હતું.
આ પ્રસંગે કોર્પોરેટર સર્વશ્રી રાજુભાઈ, ભાવિષાબેન, ગીતાબેન સોલંકી, મનપા અધિકારી/કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!