લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
સુરત જિલ્લા કક્ષાએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ચૂંટણી સંબંધિત માહિતી પર દેખરેખ રાખવા સોશ્યલ મીડિયા નોડલ અને સહનોડલ અધિકારીઓની નિમણૂંક
લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ વિવિધ કામગીરી પર દેખરેખ રાખવા માટે સત્તાવાર નોડલ અધિકારીઓની નિમણૂંક કરાઇ છે. ત્યારે સુરત જિલ્લામાં સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ્સ પર ચૂંટણી સંબંધિત માહિતી પર સંપૂર્ણ દેખરેખ રાખવા મદદનીશ પોલીસ કમિશનરશ્રી, સાયબર સેલ, સુરતની સોશ્યલ મીડિયા નોડલ ઓફિસર તેમજ નાયબ માહિતી નિયામકશ્રી, સુરતની સોશ્યલ મિડીયા સહ નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
સોશ્યલ મીડિયા નોડલ અને સહનોડલ અધિકારીઓ દ્વારા CEOની ટીમ સાથે સંકલન, સત્તાવાર સોશ્યલ મીડિયા સંચારના સંચાલન સહિત વિવિધ પ્લેટફોર્મ પર ચૂંટણી સંબંધિત દરેક માહિતી પર દેખરેખ રાખવામાં આવશે. સાથે જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર સહિતના હેન્ડલ્સ પર અફવા, અપપ્રચાર, લોકોને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાતી રોકવા તેમજ સમયસર અને સચોટ માહિતી પ્રદાન કરવાની કામગીરી પણ કરાશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી-સુરતની યાદીમાં જણાવાયું છે.





