લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના પ્રતિબંધો
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને સુરત શહેર પોલીસ કમિશનરશ્રીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે રાત્રે ૧૦:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી લાઉડ સ્પીકર નો ઉપયોગ કરવો નહી. ચૂંટણી પ્રચારના કામે વાહન ઉપરના સ્ટેટેટીક અથવા માઉન્ટેડ/લગાડેલ ફરતા લાઉડ સ્પીકરનો રાત્રે ૧૦:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી ઉપયોગ કરવો નહી. સક્ષમ અધિકારીની પરવાનગી સિવાયના સ્થળોએ કે પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ સિવાય પણ નિયત સમયગાળા સિવાય લાઉડ સ્પીકરના ઉપયોગ પર તેમજ કોઈ પણ મતદાન વિસ્તારમાં મતદાન પૂર્ણ થયા અગાઉના ૪૮ કલાક દરમિયાન પ્રચાર પર પ્રતિબંધ હોય લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો અમલ ધાર્મિક તહેવારો/સાંસ્કૃતિક ઉજવણીના પ્રસંગોએ આપેલ છૂટછાટ મુજબના સમયમાં લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા.૮/૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.





