કામરેજ તાલુકાના જોખા, માકણા, અલુરા, વિહાણ, દિગસ, નનસાડ અને ચોર્યાસી ગામોમાં રૂ.૮ કરોડના ૧૦૮ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના બાળકોને મળશે આધુનિક શિક્ષણ: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
કામરેજના જોખા ગામે રૂ.૯૮ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના સાત વર્ગોનું લોકાર્પણ
નનસાડ ગામ ખાતે રૂ.૧.૪૦ કરોડના ખર્ચે પ્રા.શાળાના ૧૦ વર્ગો તથા રૂ.૨.૭૫ કરોડના ખર્ચે નનસાડ માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત
અલુરા ગામે રૂ.૬૬ લાખના ખર્ચે ૫૫ આવાસો, દિગસ ગામે રૂ.૨૫ લાખના ખર્ચે ૨૧ આવાસોનું ખાતમુહૂર્ત
વિદ્યાર્થીઓને સુવિધા સભર ભણતર માટે અત્યાધુનિક શાળા પરિસર અને શાંતિપૂર્ણ અભ્યાસકીય માહોલ મળી રહે એ હેતુસર શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે કામરેજ તાલુકાના જોખા, માકણા, અલુરા, વિહાણ, દિગસ, નનસાડ અને ચોર્યાસી ગામોમાં વિવિધ યોજનાઓ અંતર્ગત મંજુર થયેલા રૂ.૮ કરોડના ૧૦૮થી વધુ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું હતું.
કામરેજ તાલુકાનાં જોખા ગામે રૂ.૯૮ લાખના ખર્ચે જોખા પ્રાથમિક શાળાના સાત વર્ગોનું લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત, માકણા ગામ ખાતે રૂ.૧.૩૪ કરોડના ખર્ચે પ્રાથમિક શાળા ૧૦ વર્ગો, વિહાણ ગામે રૂ. ૪૧ લાખના ખર્ચે પ્રા. શાળાના ત્રણ વર્ગો, નનસાડ ગામ ખાતે રૂ.૧.૪૦ કરોડના ખર્ચે પ્રા.શાળાના ૧૦ વર્ગો તથા રૂ.૨.૭૫ કરોડના ખર્ચે નનસાડ માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત અને ચોર્યાસી ગામે રૂ.૨૮ લાખના ખર્ચે સ્કૂલના બે ઓરડાનું ખાતમુહૂર્ત શિક્ષણ રાજ્યમંત્રીશ્રી હસ્તે કરાયું હતું. આ ઉપરાંત, તેમણે અલુરા ગામે રૂ.૬૬ લાખના ખર્ચે ૫૫ આવાસો, દિગસ ગામે રૂ.૨૫ લાખના ખર્ચે ૨૧ આવાસોનું ખાતમુહૂર્ત પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોજેક્ટ અંતર્ગત ૫0,૩૦૦ સ્માર્ટ બોર્ડ સાથેના ક્લાસરૂમમાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મળી રહ્યું છે. કામરેજ તાલુકામાં પીએમ આવાસ યોજના અંતર્ગત ૧૬૦૦થી આવાસ બની રહ્યા છે એમ જણાવી રાજય સરકારે નાનામાં નાના વ્યક્તિને કેન્દ્રમાં રાખી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે જેનો બહોળો લાભ લેવાનું કહ્યું હતું.
આ વેળાએ મંત્રીશ્રીએ શાળાના બાળકો સાથે ઉષ્માભર્યો સંવાદ કરી સુશિક્ષિત બનવા પ્રોત્સાહિત કર્યા હતા, ગ્રામજનો સાથે પણ આત્મીય સંવાદ કરી ગામોમાં ઉપસ્થિત સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, જોખા ગામ સરપંચ સુનિતાબેન ગામિત, કામરેજ તા. સરપંચ એસો. પ્રમુખ જેતલબેન પટેલ, અગ્રણી બળવંતભાઈ પટેલ, સંગઠન હોદ્દેદારો, વિવિધ ગામના સરપંચો, ગ્રામ અને તા.પંચાયતના સભ્યો, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





