‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત: નારી શક્તિ વંદના’ કાર્યક્રમ: કામરેજ
સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં સુરતના સરથાણા ખાતે નારીશક્તિ વંદના કાર્યક્રમ યોજાયોઃ
મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં ૩૩ ટકા અનામત આપી મહિલાઓને સરકારે સન્માન આપ્યું છે
મહિલાઓને અનેકવિધ યોજનાઓથી આત્મનિર્ભર બનાવવા માટે સરકાર સતત પ્રયાસરત
-:સાંસદ પ્રભુભાઈ વસાવા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્ચુઅલ માધ્યમથી ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૧.૩૦ લાખથી વધુ મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની સહાય અર્પણ
વિકસિત ભારત ‘વિકસિત ગુજરાત- નારી શક્તિ વંદન’ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ૧૩ હજારથી વધુ સ્વસહાય જૂથની ૧.૩૦ લાખથી વધુ મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની સહાય અર્પણ કરવામાં આવી હતી, જે અંતર્ગત સુરતના કામરેજ વિધાનસભા વિસ્તારમાં સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં નારી શક્તિ વંદન’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મહિલાઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ સ્વાવલંબી બને, મહિલા અધિકારોની રક્ષા, કૌશલ્યવર્ધન કરવાના સતત પ્રયાસો કરી રહ્યા છે. મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં ૩૩ ટકા અનામત આપી મહિલાઓને સરકારે સન્માન આપ્યું છે.
મહિલાઓને અનેકવિધ યોજનાઓથી આત્મનિર્ભર બનાવવા માટે સરકાર સતત પ્રયાસરત છે એમ જણાવી શ્રી વસાવાએ ઉમેર્યું કે, ગુજરાતે હંમેશા સફળ પ્રયાસો, અનુભવો અને કાર્યોમાંથી પ્રેરણા લઈને મહિલા વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરવાની કાર્યપદ્ધતિ અપનાવી છે. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃતિ મળતા શિક્ષણ ક્ષેત્રમાં નવી ઉડાન ભરી શકશે. સરકારની યોજનાઓના કારણે માતા-પિતા વિહોણી દીકરીઓ પણ ભણી-ગણી આગળ આવી છે એવા સમાજમાં કેટલાય ઉદાહરણ જોવા મળી રહ્યા છે.
વધુમાં સાંસદશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે દીકરીઓને આગળ વધવા માટે સાતત્યપૂર્ણ પ્રોત્સાહન આપતા રાજ્યની નારીશક્તિ આજે વ્યક્તિગતથી લઈને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતની દીકરીઓ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી વડાપ્રધાનશ્રીનું ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન સાર્થક કરી રહી છે
આ પ્રસંગે મ્યુ. ડે.કમિશનર રાજેન્દ્ર પટેલ, કાર્યપાલક ઈજનેર સતિષ વસાવા, કોપોરેટ સર્વશ્રી સ્વાતિ ક્યાડા, રૂતા ખેની, વિપુલભાઈ મોવલીયા, દિનેશભાઈ રાજપુરોહિત, અગ્રણી સર્વશ્રી સુરેશભાઈ ધામેલીયા, અમિરસભાઈ રામાણી, દલસુખભાઈ રિબડીયા, ભાવેશભાઈ ડોબરીયા, મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.





