જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ અને મદદનીશ ચુંટણી અધિકારીઓ સાથે બેઠક મળી
આગામી લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં ૧૯ નોડલ અધિકારીઓ તથા મદદનીશ ચુંટણી અધિકારીઓ સાથે કામગીરી બાબતે બેઠક મળી હતી.
કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં કલેકટરશ્રીએ લોકસભાની ચુંટણીઓમાં નવી ગાઈડલાઈન અનુસાર આવેલા બદલાવને અનુલક્ષીને કામગીરી કરવા નોડલ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. મટીરીયલ્સ મેનેજમેન્ટ, સ્વીપની કામગીરી, લો એન્ડ ઓર્ડર, મીડિયા, પેઈડ ન્યૂઝ, મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરીંગ કમિટી, પોસ્ટલ બેલેટ, એમ.સી.સી., દિવ્યાંગ મતદારો, માઈગ્રેટ લેબરના નોડલ અધિકારીઓને ટ્રેનિગ તથા અન્ય કામગીરી બાબતે નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા ચુંટણી અધિકારીએ તમામ નોડલ અધિકારીઓને સોપાયેલી કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે જોવા અનુરોધ કર્યો હતો.
કલેકટરે ખાસ કરીને યુવા મતદારો મતદાન કરવા તરફ પ્રેરાય તે માટે કોલેજ-શાળા કક્ષાએ જાગૃતતા અભિયાન ચલાવવા સંબંધિત નોડલ અધિકારીને જણાવ્યું હતું.
મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને ઉમેદવારી પત્રો, EVM-VVPATના સંગ્રહ-પરિવહન અને જાળવણી, મતદાન મથકને લગતી બાબતો, મતદાનના દિવસની વ્યવસ્થાઓ, પોલીંગ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ, મતગણતરી અને પરિણામોની જાહેરાત, આઈ. ટી. ઍપ્લિકેશન્સ તથા ખર્ચ નિરિક્ષણ સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, ડે.મ્યુ.કમિશનરશ્રી રાજેન્દ્રકુમાર, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, અધિક જિલ્લા ચુંટણી અધિકારી શ્રી કમલેશ રાઠોડ, જિલ્લાના મદદનીશ ચુંટણી અધિકારીઓ, નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





