સ્વસહાય જૂથમાં જોડાયા બાદ મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થતા સખી મંડળની બહેનો દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરતી થઈ છે: સુનિતાબેન ચૌધરી
માંડવી તાલુકાના મોરીઠા ગામનું સહેલી સખી મંડળ સરકારની સહાય મેળવીને બન્યું આત્મનિર્ભર
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સખી મંડળના સુનિતાબેન ચૌધરીએ વર્ણવી ‘મેરી કહાની, મેરી જુબાની’
માંડવી તાલુકાના મોરીઠા ગામમાં સહેલી સખી મંડળનું સંચાલન કરતા સુનિતાબેન ચૌધરી ૧૦ મહિલાઓ માટે રોજગારીનું નિર્માણ કરવામાં નિમિત્ત બન્યા છે. તેઓ ગ્રામ સખી સંઘના પ્રમુખ પણ છે, આ સંઘમાં અન્ય ૧૦ સખી મંડળો જોડાયેલા છે. આ મહિલાઓએ ગૃહસુશોભન, મસાલા બનાવટ, વેસ્ટમાંથી બેસ્ટ ચીજો બનાવવામાં પરસ્પર સહયોગ સાધીને આર્થિક ઉત્થાન તરફ ડગ માંડ્યા છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મેરી કહાની, મેરી જુબાની વર્ણવતા તેમણે કહ્યું હતુ કે, મિશન મંગલમ યોજન હેઠળ અમને રૂ.૧૫ હજારનું રિવોલ્વીંગ ફંડ મળ્યું હતું. ત્યારબાદ કામ વધતા બરોડા ગ્રામીણ બેંકમાંથી ૧ લાખની સીસી લોન મળી હતી. ઉપરાંત, અમારા સંઘને કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૧૫ લાખની CIF લોન સહાય મળી છે, જેથી ગ્રામ સખી સંઘના ૧૦ જૂથોને સામૂહિક મદદ મળી છે. સરકારી યોજનાઓનો લાભ મળતા અમારા સખી મંડળની પ્રવૃત્તિઓને નવો માર્ગ અને વેગ મળ્યો. સ્વસહાય જૂથમાં જોડાયા બાદ મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થતા સખી મંડળની બહેનો દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરતી થઈ છે. સખી મંડળની પ્રગતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયનું મહત્તમ યોગદાન હોવાનું તેમણે આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું.




