મહુવા તાલુકામાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં શીતલહેર ફેલાવા પામી તો ધરતીપુત્રોમાં ચિંતાની લહેર ફેલાવા પામી છે.
વાતાવરણ માં બદલાવ થી ખેતીના પાકોને નુકશાન થી લોકો હજી બહાર નથી આવી રહ્યા ત્યાં કમોસમી વરસાદ ખેડૂતો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યો છે.સુરત જિલ્લાના મહુવા તાલુકા સહિતના વિસ્તારમાં વાતાવરણમાં પલટા સાથે ગાજવીજ સાથે ધડાકાભેર વરસાદ વરસી પડ્યો હતો. કમોસમી વરસાદ વરસતા ખેતીના પાકને નુક્સાનની ભીતિ સેવાય રહી છે. જગતના તાતની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી દેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.ત્યારે ખેડૂતો અથાગ પરિશ્રમ અને મોંઘાદાટ બિયારણોથી પકવેલ ડાંગર,કઠોળ તેમજ શાકભાજીના પાકોમાં મોટું નુકસાનની ભિતી સેવાઇ રહી છે.
શેરડીની કાપણી શરૂ થઈ ગઈ છે ત્યારે વરસાદના પરિણામે કેટલાક કલાકો સુધી આ કાપણી પણ થંભી ગઈ હતી.તો બીજીબાજુ શેરડીની કાપણી કરતા શ્રમિકોના પડાવ પર આ વરસાદે હાલત ખરાબ કરી દીધી હતી.આ કમોસમી વરસાદ ખેડૂતો માટે હાલ તો અભિશાપરૂપ સાબિત થઈ રહ્યો હોવાનું જણાય રહ્યું છે.
કમોસમી વરસાદથી ખાસ કરીને ખેતીનાં પાકોને વધુ અસર થઇ હોવાની સંભાવના ઊભી થઇ છે. જો સતત ઘણા દિવસો વાદળછાયું વાતવરણ અને વરસાદ રહેશે તો ખેડૂતોને માથે હાથ દઈ બેસવાનો વારો આવશે તેવું ખેડૂતઆલમ જણાવી રહ્યા છે.હાલ તો આ કમોસમી વરસાદ વધુ દિવસ નહિ રહે તે આશા સાથે ધરતી પુત્રો આસમાન તરફ મીટ માંડી બેઠા છે.



