કાછલ કોલેજમાં ‘ઉદ્દીશા’ અંતર્ગત “Positive Attitude” પર યોજાયું પ્રેરણાદાયી વ્યાખ્યાન
સરકારી કોલેજ કાછલમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ‘ઉદ્દીશા’ અંતર્ગત “Positive Attitude” પર નિષ્ણાંત વ્યાખ્યાન યોજાયું
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, કાછલ ખાતે ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે ‘ઉદ્દીશા’ ક્લબ અંતર્ગત “Positive Attitude” (સકારાત્મક અભિગમ) વિષય પર એક ખાસ નિષ્ણાંત વ્યાખ્યાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન અને મંજૂરીથી કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે સરકારી બી.એડ. કોલેજ કાછલના પ્રાધ્યાપક ડૉ. નીરજ રાજ્યગુરુ સાહેબે હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં હકારાત્મકતાનું મહત્વ સમજાવતા ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું.ડૉ. નીરજ રાજ્યગુરુ સાહેબે પોતાના વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને જીવનમાં સકારાત્મક અભિગમ કેવી રીતે કેળવવો, મનને પ્રેમ અને આશાથી કેવી રીતે ભરવું તેમજ જીવનમાં આવતી સમસ્યાઓને તકમાં કેવી રીતે પરિવર્તિત કરવી તે અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે નાની-નાની પ્રેરણાત્મક વાર્તાઓ અને રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર વર્ગખંડનું વાતાવરણ ઉત્સાહસભર અને સકારાત્મક બનાવી દીધું હતું.કાર્યક્રમ દરમિયાન કોલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશ ચૌધરી સાહેબે પણ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીકાળથી જ જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો અત્યંત જરૂરી છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ નિષ્ણાંત વ્યાખ્યાનમાં S.Y.B.A. ના તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન ‘ઉદ્દીશા’ ક્લબના કો-ઓર્ડિનેટર પ્રા. આશા ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.


