રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરોએ તા.૧ મેં થી ૩૧ જુલાઈ સુધીમાં સંલગ્ન બેંક શાખામાં વાર્ષિક હયાતીની ખરાઈ કરાવવી.
પેન્શનર રૂબરૂમાં કે www.jeevanpramaan.gov.in વેબસાઈટ દ્વારા ઓનલાઈન પણ હયાતીની ખરાઈ કરી શકાશે.
નિયત સમય મર્યાદામાં હયાતીની ખરાઈ કરવામાં નિષફળ જતાં પેન્શનરનું ઓગષ્ટ-૨૦૨૬ પેઈડ ઈન સપ્ટેમ્બર-૨૦૨૬થી પેન્શન બંધ કરાશે.
સુરતની પેન્શન ચુકવણા કચેરી તથા તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી IRLA યોજના હેઠળ(બેંક મારફત) રાજય તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તિજોરી કચેરી સાથે સંલગ્ન બેંક શાખામાં જ તા.૦૧/૦૫/૨૦૨૬ થી તા.૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં કરાવવી. તા.૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં જે પેન્શનરોના હયાતીના ફોર્મ અત્રેની કચેરીને મળશે નહીં તેવા પેન્શનરોનું ઓગષ્ટ-૨૦૨૬ પેઈડ ઈન સપ્ટેમ્બર-૨૦૨૬થી પેન્શન બંધ કરવામાં આવશે.
પેન્શનર www.jeevanpramaan.gov.in વેબસાઈટ પર હયાતીની ખરાઈ ઓનલાઈન પણ કરાવી શકશે. તેમજ પોસ્ટ વિભાગ દ્વારા પેન્શનરશ્રીઓની ઘર બેઠા વિના મુલ્યે ઓનલાઈન આધારબેઝ હયાતી કરી શકાશે. જે માટે પેન્શનરે પોસ્ટ વિભાગના કર્મચારીનો સંપર્ક કરવાનો રહેશે. આધારબેઝ હયાતી માટે પેન્શન ચુકવણા હુકમ(પીપીઓ) અને આધારકાર્ડમાં નામ મળતુ હોવું જરૂરી છે. જે પેન્શનરોએ આધારકાર્ડ તથા પાનકાર્ડ આપેલ નથી તેવા પેન્શનરોએ આધાર કાર્ડ તથા પાન કાર્ડ હયાતીના ફોર્મ સાથે અચુક શામેલ કરવા.
વિદેશમાં રહેતા પેન્શનરોએ ફોટા સહિત, બેંક/શાખા, પીપીઓ નંબર, ખાતા નંબર લખીને નોટરી પાસે તેઓની હયાતી કરાવવાની રહેશે. અત્રેની કચેરીની પૂર્વ મંજુરી વિના જે પેન્શનરોએ તેઓની બેંકની શાખા બદલેલ હશે તેવા પેન્શનરોની હયાતીની ખરાઇ કરવામાં આવશે નહીં, જેની દરેક પેન્શનરોએ નોંધ લેવી. પેન્શનરોએ અત્રેની કચેરીમાં પીપીઓમાં કરેલ સહીના નમુના મુજબની જ સહી હયાતીના ફોર્મ પર કરવી. વર્ષ ૨૦૨૫-૨૬ના આવકના પ્રમાણપત્ર https://cybertreasury.gujarat.gov.in વેબસાઈટ પરથી મેળવી લેવા શ્રેયાન તિજોરી અધિકારી, પેન્શન ચુકવણા કચેરી, સુરતની યાદીમાં જણાવાયું છે.




