૧૧:૧૧:૧૧:૧૧:૧૧નો અનોખો સેવાકીય સંયોગ: સુરત માહિતી વિભાગ અને સ્મીમેર બ્લડ બેન્કના કર્મચારીઓએ ‘રક્તદાન મહાદાન’નો સંદેશ પાઠવ્યો

અંકશાસ્ત્રમાં ‘૧૧:૧૧’ એ શુભ અને સકારાત્મક સમય માનવામાં આવે છે. તેમજ અંકજ્યોતિષો દ્વારા તેને એન્જલિક નંબર કેહવામાં આવે છે. નવી શરૂઆત અને સામૂહિક ચેતનાના પ્રતિક સમાન આ વિશેષ દિન, સમય-ક્ષણે કરાયેલા કાર્યની અસર ખૂબ પ્રભાવી અને લાંબા સમય સુધી રહે એવી માન્યતા છે.
સુરત માહિતી વિભાગ અને સ્મીમેર બ્લડ બેન્કના ૧૧ કર્મચારીઓએ ૧૧/૧૧/૨૦૨૫ દિવસે સવારે ૧૧:૧૧ કલાકે રચાતા વિશિષ્ટ સંયોગને ‘રક્તદાન એ જ મહાદાન’ સાથે જોડી સમાજમાં રક્તદાનનો પ્રેરક સંદેશ પાઠવ્યો છે. ૧૧ તારીખે, ૧૧માં મહિને(નવેમ્બર), ૧૧ વાગ્યે અને ૧૧ મિનિટે સ્મીમેર બ્લડબેન્કના ૧૧ કર્મચારીઓ અને ૧૧ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
સંકટ સમયમાં માનવજીવનની રક્ષા માટે ‘રક્ત’ અમૂલ્ય બની જાય છે. હાલ દિવાળીની રજાઓમાં સૌરાષ્ટ્રવાસીઓ અને અન્ય રાજ્યોના પરપ્રાંતીય લોકો વતન ગયા હતા, આ સમયગાળા દરમિયાન સુરતમાં રક્તદાન કેમ્પો યોજાયા ન હતા, જેથી શહેરમાં રક્તની અછત પ્રવર્તી રહી છે, ત્યારે સુરત માહિતી વિભાગ અને સ્મીમેર બ્લડ બેન્કના કર્મચારીઓએ રક્તદાન કરી આગામી સમયમાં નિયમિતપણે રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો હતો


