બામણિયા ગામેથી દોઢ થી બે વર્ષની એક દીપડીનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં ચકચાર મચી ગઈ…
મહુવા તાલુકાના બામણિયા ગામેથી દોઢ થી બે વર્ષની એક દીપડીનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં ચકચાર મચી ગઈ છે.આ ઘટના બાદ વન વિભાગ દ્વારા દીપડીના મોતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે દીપડીનું મોત બીમારી કારણે થયું હોઈ શકે છે.
સુરત,મહુવા:-પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના બામણિયા ગામે વહિયા ફળિયામાં બુધવારે સવારે સ્થાનિકોને એક દીપડી મૃત હાલતમાં નજરે પડી હતી.ઘટના અંગે ત્વરિત તેમણે મહુવા વન વિભાગને આ અંગે જાણ કરી હતી.મહુવા વન વિભાગના આરએફઓ પ્રતિભાબેન ધૂમ સહિતનો વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડીના મૃતદેહનો કબ્જો લીધો હતો.દિપડીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પશુચિકિત્સક દ્વારા દીપડીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ તેના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.




