Traffic Tail

નવી સિવિલમાં અંગદાન મહાદાન, વોકલ ફોર લોકલ, સ્વદેશી ચીજવસ્તુઓના મહત્તમ ઉપયોગના સંદેશ સાથે વિઘ્નહર્તાની આરાધના

SHARE:

નવી સિવિલમાં અંગદાન મહાદાન, વોકલ ફોર લોકલ, સ્વદેશી ચીજવસ્તુઓના મહત્તમ ઉપયોગના સંદેશ સાથે વિઘ્નહર્તાની આરાધના

છેલ્લા ૩૫ વર્ષથી નવી સિવિલના વિવિધ વોર્ડ તથા વિભાગોમાં ગણેશજીની માટીની ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપવામાં આવે છે અને નવી સિવિલમાં જ વિસર્જિત કરવામાં આવે છે

નવી સિવિલમાં શ્રીજીની આરતીમાં મેયર દક્ષેશભાઈ માવાણી સહભાગી થયા

સિવિલમાં દર્દીઓના સ્વાસ્થ્ય અને આરોગ્ય સેનાનીઓને ગણેશજી દર્દીનારાયણની સેવા કરવાની ઉર્જા, શક્તિ આપે એવી પ્રાર્થના કરતા મેયર દક્ષેશભાઈ
નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવાસુશ્રુષા સાથે ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાનો માહોલ ઉભો થાય તેમજ દર્દીઓ જલદી સાજા થાય અને દુઃખ દૂર થાય તેવી આસ્થા સાથે છેલ્લા ૩૫ વર્ષથી નવી સિવિલના વિવિધ વોર્ડ તથા વિભાગોમાં વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સિવિલના ગણેશોત્સવ અંતર્ગત શ્રીજીની આરતીમાં મેયર દક્ષેશભાઈ માવાણી સહભાગી થયા હતા. ઉપરાંત, ભગવાન સત્યનારાયણજીની કથા યોજી સૌએ કથાશ્રવણ કર્યું હતું.

આરોગ્ય તંત્ર અને તબીબી, નર્સિંગ સ્ટાફ દ્વારા આરતી વેળાએ મહત્તમ અંગદાન થકી અંગોની જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓને નવજીવન મળે એવા હેતુ સાથે અંગદાન મહાદાન અને વોકલ ફોર લોકલના સૂત્રો સાથે સ્વદેશી ચીજવસ્તુઓના મહત્તમ ઉપયોગ અંગે જનજાગૃત્તિના પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કરાયા હતા.

આરતીમાં જોડાયેલા મેયર દક્ષેશભાઈએ જણાવ્યું હતું કે, વોર્ડમાં દાખલ દર્દીઓ જલદી સાજા થાય, રોગચાળો ન ફેલાય અને વિઘ્નહર્તા તમામનું વિઘ્ન, બીમારી, સમસ્યાઓ દુર કરે એવી ભાવના સાથે શ્રીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે, આ ભાવના પ્રેરણાદાયી છે. સિવિલના આરોગ્ય સેનાનીઓને ગણેશજી દર્દીનારાયણની સેવા કરવાની ઉર્જા, શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

 

આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખના વડપણ હેઠળ રાજ્યમાં અંગદાન પ્રવૃત્તિ વેગવાન બની છે, અને બ્રેઈનડેડ થવાના કિસ્સામાં મહત્તમ અંગદાન થાય એવા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અંગદાન અભિયાન જનઆંદોલન બને અંગદાનની પ્રવૃત્તિઓ જનજન સુધી પહોંચે એવા આશય સાથે નવી સિવિલ દ્વારા ગણેશ સ્થાપના, આરધના દરમિયાન અંગદાન, સ્વદેશીનો સંદેશ આપવામાં આવ્યો છે.

સિવિલના ઓ.પી.ડી તથા વિવિધ વોર્ડમાં નર્સિંગ સ્ટાફ, ડોકટરો સહિત આરોગ્ય અને સફાઈ કામદાર સ્ટાફ સવાર અને સાંજે આરતીમાં સામેલ થાય છે. શ્રદ્ધા, રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખી સિવિલના ગણેશોત્સવ હિન્દૂ, મુસ્લિમ, ખ્રિસ્તી એમ તમામ ધર્મના લોકો જોડાઈને સર્વ ધર્મ સમભાવનો સંદેશ પણ આપે છે. નવી સિવિલમાં માટીની ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ સ્થાપવામાં આવે છે અને નવી સિવિલમાં જ વિસર્જિત કરવામાં આવે છે એમ શ્રી કડીવાલાએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.ધરિત્રી પરમાર, આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી જિગીષા શ્રીમાળી, નિરજા પટેલ, સ્ટેફી ક્રિશ્ચિયન, લોકલ નર્સિંગ એસો.ના અશ્વિન પંડ્યા, જગદીશ બુહા, નિલેશ લાઠીયા, સંજય પરમાર સહિત તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓએ ઉપસ્થિત રહીને આરતી અને કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!