કાછલ ગામે ગણેશ વિસર્જન દરમ્યાન પાણીમાં ડૂબી જવાથી ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો.
સુરત, મહુવા:-ઘટના સ્થળે થી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કાછલ ગ્રામજનો દ્વારા દસ દિવસ ગણેશજીની પુંજા અર્ચના કરી આજે શનિવારે આનંદ ચૌદસના દિને વાજતે ગાજતે બાપાની વિસર્જન યાત્રા કાઢી હતી.આખા ગામમાં બાપાને ફેરવી સાંજે ગામની સીમમાંથી પસાર થતી ધુમાસી ખાડીમાં બાપાને વિસર્જિત કરવા જઈ રહ્યા હતા.તે દરમિયાન અકસ્માતે ગામના ત્રણ યુવાનો
કેતનભાઈ શુક્કરભાઈ ચૌધરી, ઉદયભાઈ નવરજીભાઈ ચૌધરી અને કમલેશ રતિલાલભાઈ ચૌધરી ખાડીના ઉંડા પાણીના વહેણમાં ડૂબવા લાગ્યા હતા.ખાડીના પાણીમાં ડુબનાર ત્રણ યુવાનો પૈકી બે યુવાનો ઉદયભાઈ ચૌધરી અને કમલેશભાઈ ચૌધરી ગ્રામજનોની મદદથી ખાડીના પાણીમાંથી બહાર આવવામા સફળ રહ્યા હતા.જ્યારે 37 વર્ષીય યુવાન કેતનભાઈ શુક્કરભાઈ ચૌધરી ખાડીના પાણીમાંથી બહાર આવી શક્યો ન હતો અને ઉંડા પાણીના વહેણમા તણાઈ ગયો હતો.સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓએ યુવાનની શોધખોળ હાથ ધરવા છતા પણ કોઈ ભાળ મળી ન હતી.ઘટના અંગે બારડોલી ફાયરની ટીમને જાળ કરાતા ફાયર ઓફિસર પી.બી.ગઢવી અને એમની ટીમ દ્વારા ઘટના સ્થળે આવી રાત્રીના અંધારામાં ખાડીના પાણીમાં ડૂબનાર યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ રાત્રીનો સમય અને અંધારુ વધુ હોવાથી આ લખાઈ રહ્યુ છે ત્યાં સુધીમાં યુવાનની કોઈ ભાળ મળી ન હતી.ગણેસ વિસર્જન દરમિયાન ગામનો યુવાન ખાડીના ઉંડા પાણીમાં ડૂબી જતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.પરિવારજનો અને મિત્રોના આક્રંદ થી ઘટના સ્થળે તેમજ કાછલ ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.





