Traffic Tail

મેદસ્વિતા ઘટાડવામાં બાજરો અકસીર: ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સને શરીરમાં ઊર્જામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે

SHARE:

પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૩૭ :સુરત જિલ્લો’
 
મેદસ્વિતા ઘટાડવામાં બાજરો અકસીર: ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સને શરીરમાં ઊર્જામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે (ભાગ-૦૨)
 
બાજરો પોષકતત્વોનો સ્ત્રોત છે, જે શરીરને અંદરથી સ્વસ્થ અને સંતુલિત રાખવામાં મદદ કરે છે
 
બાજરામાં રહેલા ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ અને જરૂરી મિનરલ્સ તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વપૂર્ણ
બાજરાની પ્રાકૃતિક ખેતી કેવી રીતે થઈ શકે તે વિશે આપણે અગાઉના લેખમાં જાણ્યું, આ લેખમાં આપણે જાણીશું કે મેદસ્વિતાને નાથવા બાજરો કઈ રીતે ઉપયોગી છે? સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં મેદસ્વિતામુક્ત અભિયાન વેગવંતુ છે, ત્યારે મેદસ્વિતા ઘટાડવાની દિશામાં બાજરો ખૂબ ઉપયોગી અને અસરકારક વિકલ્પ છે. બાજરો પરંપરાગત અને પોષણથી ભરપૂર અનાજ છે, જે આજકાલ આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધારવાની સાથે આહારમાં ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. તેમાં ફાઇબર વધુ માત્રામાં હોય છે, જે ખાધાં પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તેનાથી વારંવાર ભૂખ લાગતી નથી અને વ્યક્તિ બિનજરૂરી સ્નેક્સ અથવા જંક ફૂડ ખાવાનું ટાળે છે, જે વજન વધવાનું મુખ્ય કારણ હોય છે.
બાજરામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે ધીમે ધીમે પચે છે. તેનાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ સ્થિર રહે છે અને ઇન્સ્યુલિનની માત્રા નિયંત્રિત રહે છે. જ્યારે ઇન્સ્યુલિન નિયંત્રણમાં હોય છે, ત્યારે શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી. બાજરો પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે, જે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરની ચયાપચયની પ્રક્રિયાને વેગ આપે છે. ઝડપી ચયાપચયનો અર્થ એ છે કે શરીર વધુ કેલરી બર્ન કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે
બાજરામાં માત્ર ફાઇબર અને પ્રોટીન જ ભરપૂર માત્રામાં નથી હોતું, પરંતુ તેમાં ઘણાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે. તેમાં બહોળી માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે મેટાબોલિઝમને એક્ટિવ રાખવામાં અને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આયર્ન શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે, જે ઊર્જા જાળવી રાખે છે અને થાક ઓછો લાગે છે. બાજરામાં વિટામિન બી-કોમ્પ્લેક્સ, ખાસ કરીને નિયાસિન હોય છે, જે ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સને શરીરમાં ઊર્જામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આ ઉપરાંત તેમાં ઝિંક, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવાં મિનરલ્સ પણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તેમજ શરીરની ક્રિયાઓને પણ બેલેન્સમાં રાખે છે.
ગુજરાતમાં બાજરાનો રોટલો ભોજનમાં ખૂબ લોકપ્રિય છે, તે સ્વાદથી તો ભરપૂર હોય જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક હોય છે. જો બાજરાને રોજ આહારમાં સમાવવામાં આવે અને નિયમિત થોડી કસરત પણ કરવામાં આવે તો મેદસ્વિતાને સરળતાથી માત આપી શકાય છે.
આમ, બાજરો એ માત્ર ખોરાક જ નથી, પરંતુ તે એક પોષક સ્ત્રોત છે જે શરીરને અંદરથી સ્વસ્થ અને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!