માંડવી ખાતે ‘ઈફકો સહકાર રત્ન’થી સન્માનિત સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો
૪૦ વર્ષથી વધુ સમયથી સહકારી ક્ષેત્રે સેવારત માનસિંહભાઈ સહકારિતાના રત્ન સમાન: આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ

ઈફકો સહકાર રત્ન એવોર્ડ સુમુલના ૨.૫૦ લાખ સભાસદોને સમર્પિત: માનસિંહભાઈ પટેલ
માંડવી તાલુકા સહકારી મંડળીઓ દ્વારા માંડવી કૃષિમંગલ હોલ ખાતે સુમુલ ડેરીના પ્રમુખ ‘ઈફકો સહકાર રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરનાર માનસિંહભાઈ પટેલનો સન્માન સમારોહ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે કુંવરજીભાઈ હળપતિએ માનસિંહભાઈને સન્માનિત કરતા કહ્યું કે, ઈફકો દ્વારા દિલ્હી ખાતે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલને “ઈફ્કો સહકાર રત્ન” એવોર્ડ અને રૂ. ૧૧ લાખના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યના સહકાર ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. ૪૦ વર્ષથી વધુ સમયથી સહકારી ક્ષેત્રે સેવારત માનસિંહભાઈ સહકારિતાના રત્ન સમાન છે. મહુવા અને વ્યારા સુગરના પ્રમુખ તરીકે પણ સેવારત માનસિંહભાઈએ આદિવાસી ખેડૂત અને પશુપાલક તરીકે સામાન્ય જીવનથી શરૂઆત કરી હતી અને આજે સહકાર ક્ષેત્રે સીમાચિહ્નરૂપ કાર્ય કરી રહ્યા છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આદિજાતિ બાંધવો માટે રૂ.૫૧૧૦ કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. આદિજાતિ વિકાસની સેંકડો યોજનાઓએ આદિવાસીઓના જીવનને ઉન્નત કર્યું છે. તમામ દૂધ મંડળીઓ પર સોલર પેનલ લગાવવાની કામગીરી કરવામાં આવશે એમ જણાવી માંડવી તાલુકામાં થઈ રહેલા કરોડોના વિકાસકામોની વિગતો આપી હતી.
ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ શિક્ષણ, બેન્કિંગ, એ.પી.એમ.સી., સુગર ફેકટરી જેવા ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ માનસિંહભાઈને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘સહકાર થી સમૃદ્ધિ’ ના વિઝનને સાકાર કરવા, દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને ગ્રામીણ સ્તર સુધી તેની પહોંચ વધારવા કેન્દ્ર સરકારે દેશના ઈતિહાસમાં સૌપ્રથમવાર સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે. જેનું નેતૃત્વ અમિત શાહ કરી રહ્યા છે, જેમણે સહકાર ક્ષેત્રના સર્વાંગી વિકાસનો ધ્યેય રાખ્યો છે. પરિણામે સહકારિતાએ દેશભરમાં નવા સીમાચિહ્નો સર કર્યા છે.
ઈફકો સહકાર રત્ન એવોર્ડ સુમુલના ૨.૫૦ લાખ સભાસદોને સમર્પિત છે એમ જણાવી માનસિંહભાઈએ કહ્યું કે, સુમુલ ડેરી રૂ.૧૦૦ની આવકમાંથી ૮૪ રૂપિયા દૂધ ઉત્પાદક પશુપાલકોને આપે છે. ૨૫૦ લીટરના દૂધ ભરણાથી શરૂ થયેલ સુમુલ ડેરીમાં આજે દરરોજ ૧ લાખ ૪૦ હજાર પશુપાલકો દૈનિક ૨૨ લાખ લીટર દૂધ ભરે છે. દક્ષિણ ગુજરાતના સફળ સહકારી મોડેલ સમાન સુમુલ ડેરી સાથે લાખો પરિવારોનો ભરોસો જોડાયેલો છે એમ જણાવી સૌનો ઋણસ્વીકાર કર્યો હતો.
આ પ્રસંગે સુમુલ ડેરીના ડિરેક્ટરો જયેશભાઈ પટેલ અને ભરતસિંહ, મઢી સુગરના ડિરેક્ટર દિનેશભાઈ પટેલ, સુરત ડિ.કો.ઓપ. બેન્કના ચેરમેન બળવંત પટેલ તથા સહકારી અગ્રણીઓ, દૂધ મંડળીઓ, સેવા સહકારી મંડળીઓના સભાસદો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.






