પેરા વિલ્ટ (નવો સૂકારો)/ સુદાન વિલ્ટ/ ન્યુ વિલ્ટના નિયંત્રણ માટે ખેડૂતો આટલું કરે
પેરા વિલ્ટ એક જાતની દેહધાર્મિક વિકૃત્તિ છે. પાન શરૂઆતમાં પીળા પડી જાય ધીમે ધીમે છોડ ઝાંખો પીળો પડી અને પાણીની તાણ અનુભવતો હોય છે. પાન મુરઝાઇ જાય જેમાં મૂળ તંદુરસ્ત હોય છે. તથા રસ વાહિનીઓ કે મૂળની છાલ બદામી કે કથ્થઈ થતી નથી. આ વિકૃતિ કોઈ ફૂગ, જીવાણુ કે વાયરસથી થતી નથી. સામાન્યપણે પાણીની ખેંચ પછી ભારે વરસાદ થતા અથવા જીંડવા બેસતી વખતે ખાતર અને પાણીની ઉણપને કારણે તેમજ ઉષ્ણતામાન ૩૫- ૪૦°સે. કરતા વધુ હોય ત્યારે છોડ સુકાતા હોય છે. આ પ્રકારના સુકારામા છોડ ભાગ્યે જ મરતા હોય છે.
તેના નિવારણ માટેના ઉપાયોમાં પાણી ભરાય તેવી પરિસ્થિતી નિવારવી, સૂકાતા છોડને શરૂઆતમાં જમીનમાં પાણી પુરતા પ્રમાણમાં આપવું જેથી પાક બચાવી શકાય. અસગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો. પાણી અને ખાતરનું પ્રમાણ ભલામણ મુજબ અને યોગ્ય સમયે આપવું.. હલકી જમીનમાં સારૂ કોઠવાયેલું સેન્દ્રીય ખાતર આપી તેની ભેજસંગ્રહ શકિત વધારી શકાય છે અને પાણીની ખેંચ વખતે પિયત આપી પાકને બચાવી શકાય છે.વધુ વરસાદ બાદ વરાપે ખેડ કરવાથી અથવા છોડનાં મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આપવાથી અથવા પાલર પાણી આપવાથી ફાયદો થાય છે. મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણા પાડવા. છોડ ઉપર ફુલભમરી અને જીંડવાઓ બેઠા હોય ત્યારે પાણી અને પોષકતત્વોની અછત જોવા મળે ત્યારે ૧૯-૧૯- ૧૯(એન.પી.કે.) પાણીમાં દ્રાવ્ય ખાતર ૧૦૦ ગ્રામ + માઇક્રોમિસ ગ્રેડ-૪, ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગળી પાન ઉપર છંટકાવ કરવો. પોટેશીયમ નાઈટ્રેટ 3 ટકાનું દ્રાવણ છાંટવાથી અથવા યુરીયાનું ૧ ટકાનું દ્રાવણ છોડના થડ ફરતે રેડવાથી સુકારાનું પ્રમાણ ઘટાડી રાકાય છે. કોબાલ્ટકલોરાઇડ છોડને ૧૦ પીપીએમ એટલે કે ૧૦૦ લીટર પાણીમાં વગ્રામ ઓગાળી દ્રાવણ બનાવવું અને ચિન્હો દેખાતા તાત્કાલીક છંટકાવ કરવો.
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ કે.વી.કે./ ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયુ છે.


