Traffic Tail

રાજ્યભરમાં સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાઈ

SHARE:

રાજ્યભરમાં સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાઈ

ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે ૫.૦૦ કલાકે મોકડ્રીલનું થયું આયોજન

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ અને
સિવિલ ડિફેન્સના ડી.જી.પી શ્રી મનોજ અગ્રવાલે “ઓપરેશન શિલ્ડ”
સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી

મોકડ્રીલના સફળ અમલીકરણ માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેકટરશ્રીઓ, પોલિસ અધિક્ષકશ્રી અને સિવિલ ડિફેન્સના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ

ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં તા.૩૧ મે ૨૦૨૫ના રોજ સાંજે ૫ થી ૮ કલાકે નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશન શિલ્ડ”નું આયોજન કરવામાં આવ્યું હતું.  મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ અને સિવિલ ડિફેન્સના ડી.જી.પી શ્રી મનોજ અગ્રવાલે “ઓપરેશન શિલ્ડ” સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યુ હતુ.

ગુજરાતના સરહદી જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં ભારત સરકારના આદેશ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને ગૃહ રાજ્યમંત્રી મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્યહેતુ યુદ્ધની પરિસ્થિતિ અથવા સરહદે ઉભી થતી તણાવની પરિસ્થિતિમાં નાગરિકો પોતાને કઇ રીતે સુરક્ષિત રાખી શકે તેમજ વહીવટી તંત્રને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગેની જાગૃતિ ફેલાવવાનું છે.

વધુમાં રાજ્યના ૯ જિલ્લાઓ ખાતે ૧૪ યુનિટ માંથી અંદાજિત‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ૧૨ હજાર જેટલા સિવિલ ડિફેન્સના માનદ સભ્યો નિમણુંક થયેલા છે. નાગરિક સંરક્ષણની ૧૨ સેવાઓ પૈકી અગત્યની સેવાઓ જેવી કે, સર્ચ અને રેસ્ક્યુ, ફર્સ્ટ એઇડ જેવી તાલીમ, એર રેડ અને બ્લેક આઉટની જોગવાઈ મુજબ તાલિમબદ્ધ  સિવિલ ડિફેન્સના વધુમા વધુ સભ્યો આ મોકડ્રીલમાં જોડાયેલા હતા.

આ મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ વોલિયેન્ટર્સ, ફાયર, આરોગ્ય વિભાગ , પોલીસ, ફોરેસ્ટ, ઉર્જા, રોડ અને બિલ્ડીંગ, NCC, NSS, શિક્ષણ, મ્યુનિસિપલ કોર્પોરેશન, હોમગાર્ડઝ સહિતના વિવિધ વિભાગો અને એજન્સીઓ સહભાગી થયા હતા.

આજ રોજ રાજ્યના તમામ જિલ્લાઓ  ખાતે મેડિકલ ઇમરજન્સી અને રેસ્ક્યુ ડ્રીલ, બ્લડ ડોનેશન કેમ્પ, એરસ્ટ્રાઇક, ફાયર, ઇવોકેશન, એર રેઇડ વોર્નિંગ, જનરલ એક્ટિવેશન ઓફ હોટ લાઈન – કંટ્રોલ રૂમ,  બ્લેક આઉટ, બોમ્બ અને ડ્રોન-મિસાઈલ અટેક જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ પ્રકારની મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સરહદી જિલ્લાઓ ખાતે મેડિકલ ઇમરજ્ન્સી, બ્લેક આઉટ તથા શેલ્ટર હોમ્સ સહિતની માહિતી નાગરિકોને આપવામાં આવી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!