Traffic Tail

નાગરિકોની સુરક્ષા અને જાગૃત્તિ અંગે સુરતની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ યોજાઈ

SHARE:

નાગરિકોની સુરક્ષા અને જાગૃત્તિ અંગે સુરતની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ યોજાઈ

ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ પર હવાઈ હુમલો થતા આગ ભભૂકી ઉઠી: તાત્કાલિક રેસ્ક્યુ અને રાહત કામગીરી કરાઈ


૭૯ ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી સ્મીમેર હોસ્પિટલ તેમજ સામાન્ય ઈજા પામેલા ઘાયલોને સેફ હાઉસમાં પ્રાથમિક સારવાર માટે ખસેડાયા
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે નાગરિક સંરક્ષણ કવાયત ‘ઓપરેશન શિલ્ડ’નું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાને સુરત શહેરના ઉમરવાડા સ્થિત ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાઈ હતી. સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે ‘ઓપરેશન શિલ્ડ’ નામથી આ સામૂહિક કવાયત હાથ ધરાઈ હતી.


એર સ્ટ્રાઈકના કારણે ગ્લોબલ માર્કેટમાં આગ લાગી હતી. ઈમરજન્સી ઓપરેશન ખાતેથી ફાયર, ૧૦૮ એમ્બ્યુલન્સ તથા પોલીસ સહિતના વિભાગોને તત્કાલ ઘટનાસ્થળે પહોચવાનો નિર્દેશ અપાયો હતો. આગ થોડા જ સમયમાં વિકરાળ બની હતી. સાયરન વગાડી હવાઈ હુમલો થવાનો સંકેત આપી માર્કેટના વેપારીઓ, ગ્રાહકો, આસપાસના રહેણાંક સોસાયટીઓના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા એલર્ટ કરવામાં આવ્યા હતા.
તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ૧૦૮ અને સ્મીમેર હોસ્પિટલની એમ્બ્યુલન્સો ઘટનાસ્થળે પહોંચીને હવાઈ હુમલામાં ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોને નજીક આવેલી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફાયર તેમજ SDRFની ટીમ દ્વારા તત્કાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી. સિવિલ ડિફેન્સ વોલન્ટીયરોની ટીમે માનવ સાંકળ બનાવવા તેમજ ઈજાગ્રસ્તોને સ્ટ્રેચર પર લાવી તત્કાલ સારવાર માટે જોડાયા હતા.


કોઈ પણ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે તેમજ યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટેની આ મોક એક્સરસાઈઝ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ- પીસીઆર, સિવિલ ડિફેન્સ વોલન્ટીયરો, ફાયર સ્ટાફ અને સુરક્ષા દળો એલર્ટ મોડ પર આવી ગયા હતા અને સબંધિત તમામ વિભાગના અધિકારીઓ જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે રાહત બચાવની કામગીરીમાં જોડાયા હતા. મોક ડ્રીલમાં સિવિલ ડિફેન્સ, આરોગ્ય સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને સ્ટ્રેચર પર નજીક આવેલી સ્મીમેર હોસ્પિટલમાં ૭૯ ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે સામાન્ય ઈજા પામેલા ૨૦ ઘાયલોને નજીકના સેફ હાઉસમાં ખસેડી તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
સમગ્ર મોકડ્રીલમાં માય ભારતના ૨૦ વોલન્ટીયરો, એન.સી.સી.ના કેડેટ્સએ પણ સહયોગ આપ્યો હતો. ફાયર વિભાગ દ્વારા સ્કાઉટ એન્ડ ગાઈડસ, એન.સી.સી.ના કેડેટ્સ તેમજ સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોને રેસ્ક્યુ સંબંધિત તાલીમ અપાઈ હતી.
મોકડ્રીલના અંતે મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, ઈ.પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!