સુરતના ચલથાણ ખાતે નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ
૪૦૦ થી વધુ યુવાઓએ માતૃભૂમિના ઋણસ્વીકાર સાથે ‘પાંચ પ્રણ’ પ્રતિજ્ઞા ગ્રહણ કરી
રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા પલસાણા તાલુકાના ચલથાણ સ્થિત કે.વી મહેતા વિદ્યાલયમાં ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ગ્રામજનો પાસેથી યાત્રા દરમિયાન ગામમાં ઘરે-ઘરે, દુકાનોએથી માટી-ચોખા એકત્રિત કર્યા હતા, ઉપરાંત ૪૦૦ થી વધુ યુવાઓએ પંચ પ્રણ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ગ્રામ પંચાયત કક્ષાએથી શોભાયાત્રા સ્વરૂપે કળશને તાલુકા કક્ષાએ લઈ જવામાં આવ્યા હતા.
જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને તા.૧૫ સપ્ટેમ્બર થી ૧૫ ઓકટોબર સુધી ચાલનારા “સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ” અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે આચાર્ય રાજેન્દ્રભાઈ, અગ્રણી કૈલાશભાઈ, ફિલ્ડ પ્રચાર અધિકારીશ્રી ઈન્દ્રવદનસિંહ ઝાલા, નેહરૂ યુવા કેન્દ્ર-સુરતના સ્વયંસેવક સત્યેન્દ્ર યાદવ સહિત ગ્રામજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


