સુરત શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક ઈ.પોલીસ કમિશનર વાબાંગ ઝમીરના અધ્યક્ષસ્થાને મળી
સુરત શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક ઈ.પોલીસ કમિશનરશ્રી વાબાંગ ઝમીરના અધ્યક્ષસ્થાને મળી હતી.
પોલીસ કમિશનર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પો.કમિશનરશ્રીએ સૌ અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને નિયત સમયમર્યાદામાં કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. બેઠકમાં દરેક ઝોનમાં સ્પોટ લાઈન, ઝીબ્રા ક્રોસિંગ, પાર્કિંગના સાઈનબોર્ડ, પીળા પટ્ટાની કામગીરી સમયમર્યાદામાં હાથ ધરવા જણાવ્યું હતું. પોલીસ અને આર.ટી.ઓ. વિભાગ સાથે મળીને વધુ સ્પીડે વાહન ચલાવનારા કે વારંવાર નિયમોનો ભંગ કરતા ચાલકો વિરુદ્ધ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી હેઠળ વર્ષ ૨૦૨૩માં ૮૯૭ લાયસન્સ, વર્ષ ૨૦૨૪માં ૧૨૩૨ તથા ૨૦૨૫માં હાલ સુધીમાં ૧૮ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને વધુ ૫૦ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી પ્રગતિમાં હોવાની વિગતો આર.ટી.ઓ. અધિકારીએ આપી હતી.
બી.આર.ટી.એસ.માં વાહન ચલાવતા ડ્રાઈવરોએ રોડ સેફટી અંગે જાગૃત કરવાની તાલીમ આપવા તેમજ શહેરમાં ભારે વાહનોના પ્રતિબંધિત વિસ્તારમાં ૧૦૦ મીટર પહેલા પ્રોપર સાઈઝ અને જરૂરી સંખ્યામાં બોર્ડ લગાડવા પાલિકાના સંબધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં પોલીસ, આર.ટી.ઓ તથા શિક્ષણ વિભાગ સાથે મળીને ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમો હાથ ધરવા, તાપી નદી પર ઓ.એન.જી.સી. બ્રિજ પાસે આવેલા આઈ.ઓ.સી.ના પેટ્રોલ પંપ સામેનો કટ બંધ કરવાની સૂચના હાઈવેના અધિકારીઓને આપી હતી. ચોમાસાની ઋતુ પહેલા શહેરમાં આવેલા અંડરબ્રિજમાં પાણીનો ભરાવો ન થાય તે માટે મહાનગરપાલિકાના અધિકારીઓને કામગીરી હાથ ધરવા કમિ.શ્રીએ જણાવ્યું હતું.
બેઠકમાં શહેરના ચાર રિજીયનમાં છેલ્લા દોઢ મહિના દરમિયાન ૪૫,૧૨૧ હેલ્મેટ વિનાના વાહનચાલકો તથા ૬૬૯ ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાત કરવા બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો જે તે રિજીયનના ટ્રાફિક વડાએ આપી હતી. આ ઉપરાંત રોંગસાઈડ, પ્રતિબંધિત સમયમાં પ્રવેશ કરનારા હેવી વ્હીકલના ચાલકો, રિક્ષામાં લાઉડસ્પીકરો ઈન્સટોલ કરનારા ચાલકો વિરૂદ્ધ કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી.
બેઠકમાં નાયબ પોલીસ કમિશનર(ટ્રાફિક) શ્રીમતી અમિતા વાનાણી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એચ.એમ.પટેલ, દરેક રિજીયનના ટ્રાફિક એ.સી.પી., મનપા અધિકારીઓ, નેશનલ હાઇવે, મેટ્રો વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






