મહુવા તાલુકાના ભોરિયા બાદ નિહાલી ગામે શિકારી દીપડો પાંજરામાં થયો કેદ.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ભોરીયા ગામે રહેણાક તેમજ ખેતરાળ વિસ્તારમા બિન્દાસ્ત દીપડા ફરતા નજરે પડતા ગ્રામજનો ભયભીત બની ગયા હતા.દીપડો દેખાવવાની ઘટના અંગે સ્થાનિકો દ્વારા મહુવા વનવિભાગને રજુઆત કરતા મહુવા વનવિભાગના આરએફઓ પ્રતિભાબેન ધૂમની સૂચનાથી ભોરીયા જુના પટેલ ફળિયામાં નટુભાઈ ખુશાલભાઈ નાયકાના ઘર નજીક પાંજરું મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી.સોમવાર રાત્રી દરમિયાન પાંજરામા મુકેલ મારણ જોઈ એક કદાવર દીપડો લલચાઈ ગયો હતો અને એ મારણ ખાવા જતા આબાદ રીતે પાંજરે પુરાયો હતો.દીપડો પાંજરે પૂરાતા જ ત્રાડો નાખતા દીપડાનો અવાજ સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ત્વરિત ઘટના અંગે ગ્રામજનો દ્વારા મહુવા વનવિભાગના અધિકારીઓને જાણ કરાતા વનવિભાગના અધિકારીઓ ભોરીયા ગામે આવી પાંજરે પુરાયેલ દોઢ વર્ષનો કદાવર દીપડાનો કબ્જો લીધો હતો.
જ્યારે અન્ય બનાવમાં ચાર દિવસ પહેલા મહુવા તાલુકાના નિહાલી ગામે ખેડૂત નીતિનભાઈ ઠાકોરના ઘર પાછળ બાંધેલ વાછરડાનો દીપડાએ શિકાર કર્યો હતો.જે ઘટના અંગે જાણ થતા મહુવા આર.એફ.ઓની સૂચના આધારે તેમના ઘર પાછળ પાંજરૂ ગોઠવી દીપડાને ઝબ્બે કરવાની કવાયત વન વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.મંગળવાર રાત્રીના 9 વાગ્યાના અરસામા પાંજરામાં મુકેલ મારણ ખાવા જતા 3 વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો હતો.દીપડો પાંજરે પુરાતા જ સ્થાનિકો દ્વારા ઘટના અંગે મહુવા વન વિભાગને જાણ કરાતા મહુવા વન વિભાગની ટીમ દ્વારા રાત્રી દરમિયાન ઘટના સ્થળે આવી પાંજરે પુરાયેલ દીપડાનો કબ્જો લઈ દૂર જંગલમાં મુકત કરવાની કવાયત હાથ ધરી હતી.






