રવિવારે સિવિલ સર્વિસ પરિક્ષાને ધ્યાને લઈને પ્રતિબંધાત્મક આદેશો જારી
સુરત શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં કુલ -૧૫ અધિકૃત કેન્દ્રોની હદથી ૧૦૦ મીટરના વિસ્તારમાં સભા ભરવા કે સરઘસ કાઢવા, ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર પ્રતિબંધ
નવી દિલ્હી યુનિયન પબ્લીક કમિશન દ્વારા સુરત શહેરમાં આગામી તા.૨૫/૦૫/૨૦૨૫ના રોજ ‘સિવિલ સર્વિસ પરિક્ષા-૨૦૨૫ યોજાનાર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને ઉમેદવારો શાંતિથી પરીક્ષા આપે તેવા હેતુથી શહેર પોલીસ કમિશનરશ્રીએ એક જાહેરનામા દ્વારા શહેરના ૧૫ પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા, ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમ્યાન ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારીઓ (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા કે લાવવા લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે પરીક્ષાના કાર્ય તથા ફરજ પરના અધિકારીઓને હુકમ લાગુ પડશે નહી. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.






