સુરત મનપાના વોર્ડ નં.૧૮ ની પેટા ચૂંટણી અંતર્ગત પોલીસ કમિશનરનું જાહેરનામું
જાહેર તથા ખાનગી મિલકતના માલિકની પરવાનગી વિના ધ્વજ/પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટીસો, સુત્રો લખવા પર પ્રતિબંધ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ બેઠક પર પેટા ચૂંટણી તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજનાર છે તથા તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મતગણતરીની થનાર છે. જે અનુસંધાને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર આ વિસ્તારોમાં કોઈપણ રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ અથવા તેઓના કાર્યકરો કે સમર્થકો દ્વારા ઉપરોકત વિસ્તારમાં આવેલ જાહેર કે ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલકત ધારણ કરનાર અધિકૃત વ્યકિત કે માલિકની પરવાનગી વિના ચુંટણીલક્ષી પ્રચાર માટે ધ્વજ/પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટીસો ચોટાડવા, સુત્રો/નિશાનીઓ લખવા વિગેરે પ્રકારનું કોઈપણ ચુંટણીલક્ષી પ્રચાર માટેનું કૃત્ય કરી મિલ્કતને હાની, નુકશાન કે બગાડ કરવો નહિ કે કરવા દેવો નહિ.
જાહેર કે ખાનગી મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવો.
એક રાજકીય પક્ષના કાર્યકરો કે ટેકેદારો અન્ય રાજકીય પક્ષો દ્વારા આયોજીત કરવામાં આવેલ સભામાં તેમના પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરી ખલેલ કરશે નહી તેમજ એક પક્ષ દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટર બીજા પક્ષના કાર્યકરો તે ટેકેદારો દૂર કરી શકાશે નહી.
જાહેર મકાન શબ્દ પ્રયોગમાં મિલ્કત, ધોરીમાર્ગ અથવા માર્ગના મહત્વના ચાર રસ્તા, તેના ઉપર જાહેર જનતાના માર્ગદર્શન માટે અથવા માર્ગ/દિશા બતાવવા માટે મુકેલ સાઈન બોર્ડ, માઈલ સ્ટોન, રેલ્વે ફાટક તથા તેના ચેતવણીરૂપ નોટિસ બોર્ડ, રેલ્વે પ્લેટ ફોર્મ, બસ ટર્મીનલના કોઈપણ પ્રકારના બોર્ડ કે, જાહેર જનતાના સગવડ માટે પ્રદર્શીત કરેલ અન્ય કોઈપણ પ્રકારના બોર્ડનો સમાવેશ થશે. પરંતુ તેટલા પુરતો મર્યાદિત રહેશે નહિ. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તારીખ તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલી રહેશે.





