હવામાન ખાતાની આગાહી મુજબ સુરત જિલ્લામાં આગામી ચાર દિવસ આકાશ આંશિકપણે વાદળછાયું રહેવાની શક્યતા છે જેના કારણે તાપમાન અને હવામાં ભેજનું પ્રમાણ વધારે રહેવાની શકયતા રહેલી છે. આગામી દિવસોમાં નહિવત વરસાદની સ્થિતિને કારણે વધુ તાપમાન રહેવાની આગાહી હોય, તેમજ આવા સમયે વરસાદ લંબાતા જે તે પાકમાં પાણીની અછત/પાક સુકાઈ જવાની પરિસ્થિતિ/રોગ કે જીવાત ઉપદ્રવના પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો પાકના રક્ષણ માટે તકેદારીના પગલા લેવા જિલ્લાના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.
ખરીફ ડાંગર
ખેતરમાં ૫-૭ સેમી સુધી પાણી ભરેલું રાખવું. જો ગાભમારાની ઇયળ/પાન વાળનાર ઇયળનો ઉપદ્રવ જણાય તો તેના નિયંત્રણ માટે નીમ ઓઇલ ૫૦ મિ.લિ. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી ખુલ્લા હવામાન પરિસ્થિતિમાં છંટકાવ કરવો. જો પાનનાં સુકારા/ઝાળનો રોગ જોવા મળે તો તેનાં નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧ ગ્રામ અને કોપર ઓક્સીક્લોરાઇડ ૧૦ ગ્રામ/૧૫ લિ. પાણી પ્રમાણે ખુલ્લા હવામાન પરિસ્થિતિમાં છંટકાવ કરવો. જો કરમોડી રોગનો ઉપદ્રવ જણાય તો સુડોમોનાસ ૫૦ ગ્રામ/૧૫ લિ. પ્રમાણે ખુલ્લા હવામાન પરિસ્થિતિમાં છંટકાવ કરવો. ગાભમારાની ઇયળનાં નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ એકરે ૪ પ્રમાણે મુકવાં.
ચોમાસુ તુવેર
સુકારો રોગને અટકાવવા માટે ટ્રાઇકોડર્મા કલ્ચર ખુલ્લા હવામાન પરિસ્થિતિમાં આપવું. લીલી ઇયળનાં નિયંત્રણ માટે ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પીળા ફુલવાળા ગલગોટાનું વાવેતર કરવું.
શેરડી
જો સફેદ માખી/ વ્હાઇટ વુડી એફીડ નો ઉપદ્રવ જણાય તો, ઇમીડાક્લોપ્રાઇડ ૧૫ લિટર પાણીમાં ૫ મિ.લિ. નીમ ઓઇલ ભેળવી ખુલ્લા હવામાન પરિસ્થિતિમાં છંટકાવ કરવો.
કપાસ
જો ગુલાબી ઇયળનો ઉપદ્રવ ઇયળનો ઉપદ્રવ દેખાય તો સતત ૩ દિવસ સુધી ૧ ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે ૪૦ ફેરોમેન ટ્રેપ/હેકટર ગોઠવવા
પાકને નીદણ મુકત રાખવો, હાથથી નીદામણ અને આંતરખેડ કરવી
વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/કેવીકે/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/કિશાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સપર્ક કરવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




