મહુવા તાલુકાના ડુંગરી ગામે રહેતા ખેડૂત પ્રવીણ નારણભાઈ આહીર ને મોર્ગેજ લોન અપાવવાના બહાને લોન ના બદલે વેચાણ દસ્તાવેજ બનાવી તેની ચાર વીઘા જમીન વેચી નાખવા ના છેતરપિંડીના ગુનામાં કુલ સાત ઈસમો વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હોવાનુ જાણવા મળે છે.
મહુવાના ડુંગરી ગામે આવેલા પાના ફળિયામાં રહેતા પ્રવીણભાઈ આહિર નામના ખેડૂત ત્રણ વર્ષ પહેલાં 2020 માં નવસારીના સીસોદ્રા ખાતે આવેલ રાધે ટ્રેક્ટર માં નોકરી કરતા હતા. તેમને એસ્કોર્ટ ટ્રેક્ટર ની એજન્સી લેવાનુ મન થતાં તેમનો સંપર્ક સુરતના મહિધરપુરા ની ગીયા શેરીમાં રહેતા દલાલ સરજુ દીપકભાઈ પટેલ સાથે થયો હતો. ભાગીદાર થવા માટે રૂપિયા ચારથી પાંચ લાખ આપવા પડશે મુજબનું જણાવતા મોટી રકમ પોતાની પાસે ન હોવાના કારણે તેમણે ડુંગરી ગામે તેમની બ્લોક સર્વે નંબર ૯૦૪ વાળી ચાર વિઘા જમીન મોર્ગેજ કરી લોન મેળવવાનું નક્કી કર્યું હતું. દલાલ સરજુ પટેલે 11 મહિનામાં લોન પરત કરતા જમીન ઉપર બોજો નહીં પડે મુજબ આકર્ષણ પણ આપ્યું હતું. ટ્રેક્ટર વેચાણ બાદ નાણા આપજે મુજબ જણાવી ત્રણ વર્ષ પહેલા 1 સપ્ટેમ્બર 2020 ના દિવસે મહુવા તાલુકા સબ રજીસ્ટર કચેરી મુકામે હિમાંશુ ચંપકભાઈ રાઠોડ રહે. માયાવંશી મોહલ્લા, બારડોલી, દલાલ સરજુ દિપક પટેલ, તુષાર નરેશ સરા વગી, નરેશ દિન દયાળ સરાવગી બંને રહે. સોશિયો સર્કલ સુરત, તથા રાજુ કાંતિલાલ મકવાણા રહે. સિંગણપુર ચાર રસ્તા કતારગામ સુરત વગેરેની હાજરીમાં દસ્તાવેજ ઉપર સહી કરાવી ખેડૂત પ્રવીણ આહીરને રૂપિયા ચાર લાખ તારા બેંક એકાઉન્ટ માં મળશે મુજબ જણાવી તમામ દસ્તાવેજો લઈ લીધા હતા. બેંકમાં ચેક જમા કરતા પૈસા પણ મળી ગયા હતા. આ પૈસા તેણે રાધે ટ્રેક્ટરના માલિક સરજુ બળવંતભાઈ નાયક ને એસ્કોર્ટ ટ્રેક્ટર ની ડીલરશીપ માટે આપ્યા હતા. એક મહિના બાદ રાધે ટ્રેક્ટર્સ પેઢી બંધ થઈ જવા પામી હતી. અને તેને ટુકડે ટુકડે ચાર લાખ પાછા પણ મળ્યા હતા. આ દરમિયાન રાધે ટ્રેક્ટરના સરજુ નાયકે ખેડૂત પ્રવીણભાઈ ને છેતરપીડી ની માહિતી આપતા મહુવા રજીસ્ટ્રાર કચેરીમાં જઈ તપાસ કરતા ખેડૂત પ્રવીણભાઈ ને તેમની જમીનનો વેચાણ દસ્તાવેજ જોવા મળ્યો હતો. પોતે જેને જોયા ન હતા અને ઓળખતા પણ નહોતા તેવા લોકો સાથે દસ્તાવેજ ઉપર સહી કરાવી પોતાની જમીન હડપ કરતા લોકો વિરૂધ ફરિયાદ આપતા દસ્તાવેજમાં જણાવ્યા મુજબ જમીન વેચાણ લેનાર હેમાંશુ રાઠોડ, દલાલ સરજુ પટેલ, સાક્ષી તુષાર સરાવગી, નરેશ સરાવગી તથા રાજુ મકવાણા મળી એમ પાંચ જ્યારે બે અજાણ્યા ઈસમો મળી કુલ સાત ઈસમો દ્વારા કરાયેલી છેતરપિંડી અને વિશ્વાસઘાત બદલ ફરિયાદ આપતા મહુવા પોલીસે વધુ તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.




